Power Corridor: દાદા દિલ્હીમાં મોદી સાહેબને મળી આવ્યા, કંઈ નવાજૂની થવાના એંધાણ?

HomeGandhinagarPower Corridor: દાદા દિલ્હીમાં મોદી સાહેબને મળી આવ્યા, કંઈ નવાજૂની થવાના એંધાણ?

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

દાદાના દિલ્હીથી પરત આવ્યા બાદ ગમે ત્યારે હવે નવા-જૂની નક્કી, વિસ્તરણ બજેટ પહેલા? કે બજેટ પછી?

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાજેતરની દિલ્હીની મુલાકાત સુખદ રહી હોવાનું તેમની બોડી લેંગ્વેજ પરથી લાગી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેથી મુલાકાતમાં વહીવટી ઉપરાંત કેટલીક રાજકીય બાબતો અંગે તેમણે માર્ગદર્શન મેળવ્યું છે. સચિવાલય અને પાર્ટી સંગઠનમાં ચાલતી અટકળો મુજબ રાજ્ય કેબિનેટનું વિસ્તરણ થવાની ફરીથી સંભાવના જીવંત થઇ છે. જો વિસ્તરણ થાય તો ક્યારે અને થશે તો કયા નવા ચહેરા આવી શકે તેમ છે તેની ગણતરી માંડવામાં આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે મહારાષ્ટ્રની ચૂંટણી પછી ગુજરાતની કેબિનેટમાં ફેરબદલને વધારે બળ મળ્યું છે. સંભવ છે કે મુખ્યમંત્રીએ હાઇકમાન્ડ સમક્ષ વિસ્તરણનો મુદ્દો છેડ્યો હોય. રાજકીય વિશ્લેષકો માને છે કે સરકારમાં કેબિનેટનું વિસ્તરણ કરવું હોય તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પૂર્વેનો સમય ઉત્તમ છે, કે જે જાન્યુઆરીમાં સંભવિત છે. કારણ કે ચૂંટણી પછી વિધાનસભાનું બજેટ સત્ર આવતું હોવાથી બાદના ત્રણેક મહિનામાં તો વિસ્તરણની કોઇ સંભાવના જોઇ શકાતી નથી. હાલ તો મુખ્યમંત્રીની વડાપ્રધાન સાથેની મુલાકાતને પક્ષના સભ્યો સકારાત્મક રીતે જોઇ રહ્યાં છે.

ઉચ્ચ અધિકારીઓના ટકરાવ વચ્ચે નાના અધિકારીનો ભોગ લેવાઇ ગયો

રાજ્ય સરકારે તાજેતરમાં 25 આઇપીએસ અધિકારીઓની બદલી કરી છે તેમાં એક છૂપો મેસેજ એવો આપવામાં આવ્યો છે કે પોલીસ અધિકારીઓએ માપમાં રહેવું પડશે અન્યથા પ્રાઇમ પોસ્ટીંગ ગુમાવવાનો વારો આવી શકે છે. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. ત્યારે કેટલાય અધિકારીઓ અંટાઇ ગયા છે અને ફાઇનલી એક મહિલા અધિકારીનો ભોગ લેવાઇ ગયો છે. આ મહિલા અધિકારીની ટ્રાન્સફર જામનગરમાં એસઆરપીએફમાં કરી દેવામાં આવી છે. કારણ એવું આપવામાં આવે છે કે તેઓ મીડિયા મેનેજ કરવામાં નિષ્ફળ ગયા છે. જો તેમણે તેમની પોસ્ટમાં સારી ભૂમિકા ભજવી હોત તો અમદાવાદની છબી ખરડાઇ ના હોત. જોકે ચર્ચા છે કે દોષનો ટોપલો ઓઢાળવા માટે કોઈક ની તો બલી ચઢે જ ને આ મહિલા અધિકારી પણ બલીનો બકરો બની ગયા છે જેમની પાસે કોઇ બેકઅપ ન હતો તેવા અધિકારીનો ભોગ લેવાઇ ગયો છે. આમ પણ કેટલાક દિવસ પહેલાં રાજ્યના પોલીસ વડાએ અમદાવાદના 13 પોલીસ કર્મચારીઓની બદલી કરી છે. આ કર્મચારીઓ બદલાયા તે મહત્વનું નથી પરંતુ તેમની અને તેમના સગા-સ્નેહીજનોની મિલકતોની તપાસ કરવાના આદેશથી પોલીસ તંત્રમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

એસપી ટુ ડીઆઇજી પ્રમોશન્સને ટ્રાન્સફર્સ જાન્યુઆરીમાં નિશ્ચિત

ગુજરાતના ગૃહ વિભાગે 25 આઇપીએસ અધિકારીઓની તાજેતરમાં બદલી કરી છે ને બીજુ લિસ્ટ હમણાં તુરંત નહીં આવે. બાકી રહી ગયેલા અધિકારીઓની બદલીનો ગંજીપો હવે જાન્યુઆરીમાં ચીપાશે. એસપી ટુ ડીઆઇજી ના પ્રમોશન્સ ડયુ છે તેમની બઢતી સાથે બદલીઓ હવે જાન્યુઆરીના બીજા અથવા ત્રીજા વીક મા થવાની સંભાવના છે. બદલીનો બીજો રાઉન્ડ હમણાં આ મહિને આવશે નહીં. પોલીસની હવે પછીની બદલીઓમાં જે અધિકારીને એક જ જગ્યાએ ત્રણ કે તેથી વધુ વર્ષ પૂર્ણ થયાં હોય તેમનો પણ વારો પડશે. જોકે જ્યાં સેટલમેન્ટ કરવાનું થતું હશે ત્યાં એકાદ-બે છૂટક બદલીઓ વચ્ચે વચ્ચે આવે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

સીએમઓમાં નવા વર્ષે કયા ફેરફારો આવશે?

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયમાં ઉદ્યોગ નીતિ અને સમગ્ર વિભાગની જવાબદારી સંભાળતા નિવૃત્ત આઇએએસ અને કરાર આધારિત નિયુક્તિ પામેલા મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. એ.બી. પંચાલની એક્ઝિટ પછી કાર્યાલયમાં બે નવા અધિકારી લેવામાં આવ્યા છે. વર્ગ-1ના સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ કુ. દિપલ હડિયલને મુખ્યમંત્રીના નાયબ સચિવનું પદ આપવામાં આવ્યું છે જ્યારે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનર કચેરીના અધિક નિયામક એચ.પી. પટેલને પ્રતિ નિયુક્તિ પર મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં અન્ય એક અધિકારીને પણ નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. બીજા બે અધિકારીઓનો એક્સટેન્શન પિરિયડ સમાપ્ત થઇ રહ્યો છે. એટલે કે નવા વર્ષે નવા ઉર્જાવાન અધિકારીઓ આ કાર્યાલયમાં ફરજ બજાવશે. મુખ્યમંત્રી કાર્યાલયમાં કુલ 20 અધિકારીઓ પૈકી ચાર નિવૃત્ત આઇએએસ સાથે કુલ નવ નિવૃત્ત અધિકારીઓ ફરજ બજાવી રહ્યાં છે. હાલ પંકજ જોષી, એમ.કે. દાસ અને અવંતિકા સિંઘ એમ કુલ ત્રણ આઇએએસ પ્રાઇમ પોસ્ટીંગ પર ફરજ પર છે જે પૈકી પંકજ જોષી મુખ્ય સચિવ બનશે ત્યારે તેમની જગ્યા ખાલી પડે તેમ છે.

ગુજરાતમાં વેટલેન્ડસ શોધવા ઓથોરિટીના રચના

ગુજરાતના વેટલેન્ડ્સ એટલે કે જળ પ્લાવિત પ્રદેશોના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકારે 24 સભ્યોની એક ઓથોરિટીની રચના કરી છે. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રીના અધ્યક્ષ પદે રચાયેલી આ ઓથોરિટી હયાત વેટલેન્ડ્સનું સંરક્ષણ અને નિરીક્ષણ કરશે અને નવા વેટલેન્ડ્સની શોધ કરવામાં મદદ કરશે. સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં 34749.50 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વેટલેન્ડ્સ આવેલા છે. આ ઓથોરિટીના સહ અધ્યક્ષ નાયબ વન અને પર્યાવરણ મંત્રી રહેશે. ઉપરાંત વન અને પર્યાવરણ વિભાગના અધિકારીઓ, મહેસૂલ, શહેરી વિકાસ, જળ સંસાધન, પ્રવાસન અને મત્સ્યોદ્યોગ જેવા વિભાગોના અધિકારીઓ સભ્ય રહેશે. આ ઓથોરિટીમાં ઇસરો, બાયસેગ, ગીર ફાઉન્ડેશન, જૈવ વિવિધતા બોર્ડ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેનલના નિષ્ણાતોમાં ભરત જેઠવા, ભરતસિંહ રાયજાદા, શ્વેતા સુહાને અને પ્રમોદ પાલીવાલને પણ સભ્ય બનાવાયા છે. આ ઓથોરિટીની મુદ્દત ત્રણ વર્ષની નક્કી કરવામાં આવી છે.

ગાંધીનગરમાં કયા કયા વિભાગોમા ખટરાગ?

સરકારમાં ડઝનબંધ એવા વિભાગો છે કે જેની સાથે જાહેર સાહસો અને કમિશનરેટ પણ જોડાયેલા છે. જ્યાં આવી સ્થિતિ છે ત્યાં વિભાગના વડા સાથે કમિશનરેટ અને જાહેર સાહસના વડા વચ્ચે મનમેળ બેસતો નથી. યોજનાકીય બાબત હોય કે વહીવટી બાબત હોય, બંને વચ્ચે ગજગ્રાહ જોવા મળે છે. પહેલાં આરોગ્ય વિભાગ અને આરોગ્ય કમિશનરેટમાં આવી હાલત જોવા મળતી હતી. હવે પ્રવાસન વિભાગ અને પ્રવાસન નિગમના વડા વચ્ચે ખટરાગ પેદા થયો હોવાની સચિવાલયમાં ચર્ચા ચાલી રહી છે. આવી જ સ્થિતિ ઉદ્યોગ અને કૃષિ કલ્યાણ વિભાગમાં જોવા મળે છે કે જ્યાં જાહેર સાહસો જોડાયેલાં છે. ઘણી વખત વિભાગના વડાનો વહીવટ જાહેર સાહસના એમ.ડી.ને ગમતો હોતો નથી અને ક્યારેક એમ.ડી.નો નિર્ણય વિભાગના વડા નકારી દેતાં હોય છે. બંને કચેરીઓના વડા વચ્ચે મનમેળ બહુ ઓછા વિભાગોમાં હોય છે. સરકારની ચિંતન શિબિરમાં અધિકારીઓની એકતાના દર્શન થાય છે પરંતુ ગાંધીનગર પાછા આવીને આ જ અધિકારીઓ હરિફાઇમાં ઉતરી રહ્યાં હોય તેવા ઘાટ ઘડાય છે.

2025 એટલે આઇએએસ અધિકારીઓમાં નિવૃત્તિની મૌસમ

ગુજરાતની બ્યુરોક્રેસીમાં નવા વર્ષે મોટા ફેરફારો તોળાઇ રહ્યાં છે. ખાસ કરીને રાજ્યના વહીવટી વડા એવા નવા મુખ્ય સચિવની વરણી થવાની છે. 2025ના વર્ષમાં સિનિયર મોસ્ટ એવા સાત ઉચ્ચ અધિકારીઓ વયનિવૃત્ત થઇ રહ્યાં છે તેમાં રાજ્યના હાલના મુખ્ય સચિવ રાજકુમારનો પણ સમાવેશ થાય છે. તેઓ જાન્યુઆરીમાં નિવૃત્ત થતાં 1લી ફેબ્રુઆરીએ સચિવાલયના બ્લોક નંબર-1ના પાંચમા માળે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી બિરાજમાન થાય તેવો તખ્તો ઘડાઇ રહ્યો છે. જોકે પંકજ જોષીનો કાર્યકાળ ઓક્ટોબરમાં નિવૃત્તિ સાથે પૂર્ણ થાય છે પરંતુ સરકાર સાથેની ધનિષ્ઠતા જોતાં તેમને એક્સટેન્શન મળવાની શક્યતા વધારે દેખાઇ રહી છે. જાન્યુઆરીમાં રાજકુમારની સાથે ડો. એસ.ડી. મુરલીક્રિષ્ના પણ નિવૃત્ત થાય છે. એ ઉપરાંત જુલાઇ મહિનામાં કલમ દયાણી અને જે.પી. ગુપ્તા તેમજ ડિસેમ્બરમાં સુનયના તોમર અને એસ.જે. હૈદર નિવૃત્ત થવાના છે. આ ઉપરાંત ઘણાં નોમિનેટેડ આઇએએસ પણ નિવૃત્ત થઇ જશે. એટલે કે આવતા વર્ષે વધુ આઇએએસ અધિકારીઓની ઘટ પડશે. બીજી તરફ સિનિયરોની નિવૃત્તિના કારણે લાંબા સમયથી સેક્રેટરી, અગ્ર સચિવ અને અધિક મુખ્ય સચિવ કક્ષાના પ્રમોશનની નોબત આવી શકે છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon