શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થરાજ વડતાલધામ ખાતે ઉજવાઈ રહેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારત સરકારે શુદ્ધ ચાંદીના 200 રૂપિયાનો સિક્કો વડતાલ મંદિરની પ્રતિકૃતિ સાથે બહાર પાડ્યો હતો. જેનું પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજીએ આજે રાજકીય મહાનુભાવો અને પૂજ્ય સંતોની હાજરીમાં લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય કોઠારી પૂજ્ય સંતવલ્લભ સ્વામીએ રાજીપો વ્યક્ત કરતાં આ ક્ષણને વધાવી હતી. સમગ્ર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ ઐતિહાસિક ક્ષણ છે કેમકે શ્રીજી મહારાજે સ્વહસ્તે બનાવેલા કોઈપણ મંદિરની પ્રતિકૃતિ સાથે કોઈ ચલણી સિક્કો બનાવ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે અને વિશ્વભરમાં ફેલાયેલા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે.
પીએમ મોદીનો આભાર માન્યો
પૂજ્ય આચાર્ય મહારાજે દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. કોઠારી સ્વામીએ આ તબક્કે દેશના ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારમનનો પણ વિશેષ આભાર માન્યો હતો. દ્વિશતાબ્દી મહોત્સવમાં આ સિક્કાના વિમોચન પ્રસંગે ટેલિકોમ ડિસ્પ્યૂટ્સ સેટલમેન્ટ & અપેલેટ ટ્રિબ્યુનલના ચેરમેન અને દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ શ્રી બી.એન. પટેલ સાહેબ હાજર રહ્યા હતા.
હું હૃદયથી તમારી વચ્ચે જ છું: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દ્વિશતાબ્દી મહોત્સવની શુભેચ્છા આપી અને કહ્યું કે, ‘‘મને આનંદ છે કે, ભારત સરકારે આ અવસરે 200 રૂપિયાનો ચાંદીનો એક સિક્કો અને સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી છે. આ પ્રતિક ચિહ્ન આવનારી પેઢીઓના મનમાં આ મહાન અવસરની સ્મૃતિની જીવંત કરતા રહેશે. ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો દરેક વ્યક્તિ જાણે છે કે, આ પરંપરા સાથે મારો સંબંધ કેટલો જૂનો છે. મારી ઈચ્છા તો ઘણી હતી તમારી સાથે જૂની વાતો કરું અને બેસું. પણ જવાબદારી અને વ્યસ્તતાને લીધે આ સંભવ ન થયું. હું હૃદયથી તમારી વચ્ચે જ છું. મારું મન અત્યારે સંપૂર્ણ રીતે વડતાલ ધામમાં જ છે.’’
સિક્કાની એક બાજુ ભારતની રાજ મુદ્રા બીજા બાજુ વડતાલ મંદિરની પ્રતિકૃતિ
સમગ્ર મુદ્દે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉક્ટર સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું કે, ‘‘સ્વામિનારાયણ વડતાલ સંસ્થા જ્યારે 200 વર્ષની ઉજવણી કરી રહ્યું છે તેની જાણ અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કરી હતી. તેમના વિવિધ વિભાગો દ્વારા એક ઐતિહાસિક સ્મૃતિરૂપ શું થઈ શકે તેની શોધ કરતાં અમારા વડીલો દ્વારા એવો નિર્ણય કર્યો કે, શુદ્ધ ચાંદીનો 200 રૂપિયાનો સિક્કો બનાવડાવવામાં આવે.’’ આ પછી અમારા સ્નેહી પંકજભાઈ દેસાઈ અને દેવુસિંહ ચૌહાણ ખાસ તાર-ટપાલ, વ્યવહારના મંત્રી હતા તે વખતે અમારી ગોષ્ઠી થઈ હતી અને એમણે કહ્યું હતું કે, ‘‘અમે બનતી મહેનત કરીશું.’’ આમ પેપરવર્ક શરૂ કર્યું. જેમાં ઘણાં વિભાગો હેલ્પફુલ થયા હતા અને રીતસર જેવી રીતે ચલણ બહાર પડે એવું સેન્ટર ગવર્મેન્ટ દ્વારા આ સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. અમે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો આભાર માનીએ છીએ કે, તેમના દ્વારા આ શુદ્ધ ચાંદીનો 200 રૂપિયાનો સિક્કો પ્રસિદ્ધ થયો. આ સિક્કામાં એક બાજુ ભારતની રાજ મુદ્રા અને બીજી બાજુ વડતાલ મંદિરની પ્રતિકૃતિ છે. આનાથી સત્સંગીઓ ગૌરવ અનુભવે છે. વડતાલના સમગ્ર હરિભક્તો, સંતો અને આચાર્યશ્રી અભિનંદન પાઠવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર