Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે નહીં જાય. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે અને પોતાની મેચ નિષ્પક્ષ સ્થળ પર રમશે. આઈસીસીએ માત્ર ચેમ્પિયન્સ ટ્રોફી માટે જ નહીં પરંતુ 2025-27ના ચક્ર માટે પણ નવો નિયમ જાહેર કર્યો છે. આ નિયમ આગામી ત્રણ વર્ષ સુધી આઇસીસીની તમામ ટૂર્નામેન્ટને લાગુ પડશે.
આઈસીસી ટૂર્નામેન્ટની મેચો તટસ્થ સ્થળે રમાશે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન કોઈ આઇસીસી ઈવેન્ટની યજમાની કરશે ત્યારે તેમની મેચો તટસ્થ સ્થળે રમાશે. પાકિસ્તાન આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે. આ પછી વર્ષ 2025માં ભારતમાં જ વિમેન્સ વર્લ્ડ કપનું આયોજન થશે. આ સાથે જ 2026નો મેન્સ ટી-20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકાને આપવામાં આવ્યો છે.
આ નિયમ આ તમામ આઈસીસી ટૂર્નામેન્ટમાં લાગુ થશે. આ સાથે આઇસીસીએ વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ 2028નું આયોજન પણ પાકિસ્તાનમાં જ કરવાની જાહેરાત કરી દીધી છે. તટસ્થ સ્થળનો નિયમ અહીં પણ લાગુ પડશે.
આ પણ વાંચો – આ વર્ષે ટેસ્ટ, વન-ડે અને ટી 20માં ભારતીય ક્રિકેટ ટીમમાં આ ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ, જુઓ યાદી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો કાર્યક્રમ થોડા દિવસોમાં જાહેર કરાશે
આઈસીસી ટ્રોફી 2025નો કાર્યક્રમ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. પાકિસ્તાન આ ટૂર્નામેન્ટમાં વર્તમાન વિજેતા છે. તેણે વર્ષ 2017માં ભારતને હરાવીને ટ્રોફી જીતી હતી. ત્યાર બાદથી પાકિસ્તાન કોઈ આઈસીસી ટ્રોફી જીતી શક્યું નથી.
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને બીસીસીઆઈએ પહેલેથી જ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું. તેમણે કહ્યું કે ટીમ ઇન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. જોકે પાકિસ્તાનની ટીમ ગત વર્ષે વન-ડે વર્લ્ડકપ માટે ભારત આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ મોહસિન નકવી સતત નિવેદન આપી રહ્યા છે કે તેઓ હાઇબ્રિડ મોડલ માટે તૈયાર નથી. જોકે હવે લાગે છે કે, તે આઇસીસી સામે ઘૂંટણિયા ટેકવી દીધા છે. પાકિસ્તાનને લાંબા સમય બાદ આઈસીસી ટૂર્નામેન્ટનું આયોજન કરવાનું મળ્યું છે.