Ravichandran Ashwin Retirement : ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ ડ્રો થયા બાદભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. તેણે બુધવારે પોતાના 14 વર્ષના કરિયરને અલવિદા કહી દીધું હતું. અશ્વિનની ગણતરી દેશના દિગ્ગજ બોલરોમાં થાય છે. અશ્વિનનું નામ ભારતના સૌથી સફળ સ્પિનર બિશન બેદી, ઈ પ્રસન્ના, એસ ચંદ્રશેખર, વેંકટરાઘવન અને અનિલ કુંબલેની યાદીમાં સામેલ થઇ ગયું છે. તેણે તેની કારકિર્દીમાં ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા હતા અને તે દેશના સૌથી સફળ સ્પિનરોમાંથી એક છે.
અશ્વિનના સૌથી મોટા રેકોર્ડ
ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બીજો બોલર
અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીમાં 537 વિકેટ ઝડપી છે. ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં તે બીજા ક્રમે છે. આ લિસ્ટમાં અનિલ કુંબલે પ્રથમ સ્થાને છે. કુંબલેએ 619 વિકેટ ઝડપી છે. અશ્વિને થોડા સમય પહેલા કહ્યું હતું કે તેની નજર કોઈના રેકોર્ડ પર નથી અને જ્યારે તેને લાગશે કે તે સુધાર કરી રહ્યો નથી તે ત્યારે તે નિવૃત્તિ લઇ લેશે.
ભારત માટે એક ઈનિંગમાં સૌથી વધુ 5 વિકેટ
અશ્વિન એક ઈનિંગમાં સૌથી વધુ પાંચ વિકેટ ઝડપનારો ભારતીય બોલર છે. તેણે આ સિદ્ધિ 37 વખત મેળવી છે.
સૌથી વધારે પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ્સ
અશ્વિન એ ખેલાડી છે જેણે ટેસ્ટમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો છે. અશ્વિને 11 વખત આવી સિદ્ધિ મેળવી છે. આ મામલામાં તે શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીધરનની બરાબરી પર છે.
આ પણ વાંચો – ટેસ્ટમાં ભારતના બીજા સફળ બોલર રવિચંદ્રન અશ્વિને ગાબામાં નિવૃત્તિની જાહેરાત કરી
એક જ મેચમાં સદી અને પાંચ વિકેટ ઝડપનાર ખેલાડી (ચાર વખત)
અશ્વિને ચાર વખત એક જ મેચમાં સદી અને પાંચ વિકેટ ઝડપી છે. તેણે પ્રથમ વખત 2011માં વેસ્ટ ઇન્ડીઝ સામે આ રેકોર્ડ કર્યો હતો. આ પછી 2016માં વેસ્ટ ઈન્ડિઝ સામે, 2022માં ઈંગ્લેન્ડ સામે અને 2024માં બાંગ્લાદેશ સામે આવી સિદ્ધિ મેળવી હતી.
સૌથી ઝડપી 350 ટેસ્ટ વિકેટ
અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 350 વિકેટ પુરી કરી હતી. તેણે 66 ઇનિંગ્સમાં 350 ટેસ્ટ વિકેટ પુરી કરી હતી.