Ravichandran Ashwin Retirement : ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ભલે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી હોય પરંતુ આ એક એવું પગલું હતું જેના વિશે તે લાંબા સમયથી વિચારી રહ્યો હતો. 2023માં ભારતમાં યોજાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન આ વાત સામે આવી હતી. તેના 18 મહિના બાદ અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. અશ્વિનનું નિવૃત્તિ લેવાનું મુખ્ય કારણ ઘૂંટણની ઈજા અને વોશિંગ્ટન સુંદરનો ઉદય છે. આ સિવાય ભારત હવે લાંબા સમય સુધી ટેસ્ટ ક્રિકેટ રમવાનું નથી. વિદેશમાં તેને ભાગ્યે જ તક મળે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા રવાના થતા પહેલા જ અશ્વિને પોતાના પરિવારને કહી દીધું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા પર વિચાર કરી રહ્યો છે. જોકે ત્યારે કોઈ નિર્ણય લેવાયો ન હતો, પરંતુ તેના પરિવારે તેને આ અંગે વિચારવા કહ્યું હતું. અશ્વિને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં જે પણ થશે તે પછી તે આ વિશે નિર્ણય લેશે. મંગળવારે રાત્રે તેણે પોતાના પરિવારને જણાવ્યું હતું કે 18 ડિસેમ્બર તેનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લો દિવસ હશે.
અશ્વિને દરેક ખેલાડીને નિવૃત્તિની વાત કહી હતી
કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે તે પર્થ પહોંચ્યો ત્યારે અશ્વિને એડિલેડમાં બીજી ટેસ્ટ રમતા પહેલા નિવૃત્તિ લેવા અંગે લાંબી વાતચીત કરી હતી. તે બ્રિસબેન ટેસ્ટ રમવા માટે પણ દાવેદાર હતો, પરંતુ રવિન્દ્ર જાડેજાને પસંદ કરવામાં આવ્યો હતો. ગાબા ખાતે અશ્વિને દરેક ખેલાડીને શ્રેણીની વચ્ચે નિવૃત્તિ લેવાના નિર્ણય અંગે અલગ-અલગ જણાવ્યું હતું, જેના કારણે બધાને આશ્ચર્ય થયું હતું.
મેલબોર્ન અને સિડનીમાં રમવાની તક મળી
રવિચંદ્રન અશ્વિનને મેલબોર્ન અને સિડનીમાં રમવાની તક મળી હતી. પરંતુ એવું લાગી રહ્યું છે કે આ સમયે ટીમ ક્યાં આગળ વધી રહી છે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાડેજાએ બ્રિસબેનમાં શાનદાર દેખાવ કર્યો હતો અને ભારત પાસે વોશિંગ્ટન સુંદરમાં વધુ એક ઓફ સ્પિનર છે, જે અશ્વિનનું સ્થાન લેવા તૈયાર છે. જોકે તે એકદમ અલગ છે.
આ પણ વાંચો – બિશન બેદી, અનિલ કુંબેલની લિસ્ટમાં સામેલ રવિચંદ્રન અશ્વિન, આ છે કારકિર્દીના સૌથી મોટા રેકોર્ડ
અશ્વિન થોડા વધુ વર્ષો સુધી રમી શકે છે
38 વર્ષની ઉંમરે જ્યારે ટેસ્ટ સિઝનની શરૂઆત બાંગ્લાદેશ સામેની ઘરઆંગણાની શ્રેણીથી થઈ હતી, જ્યાં અશ્વિન પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. ત્યારે તેની પાસે હજુ ઓછામાં ઓછા બે વર્ષ બાકી હતા, પરંતુ ભારતીય ટીમને લાંબા સમય સુધી લાલ બોલથી રમવાનું નથી. વિદેશમાં રમવા પર સંશય અને ઘૂંટણની સતત તકલીફના કારણે અશ્વિને પ્રથમ વખત નિવૃત્તિ લેવાનું વિચાર્યાના 18 મહિના પછી અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો.
રણજી ટ્રોફી જીતવાનું સપનું
અશ્વિન ગુરુવારે (19 ડિસેમ્બર)સ્વદેશ પરત ફરવાનો છે. તેણે કહ્યું કે તે ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં રમતો જોવા મળી શકે છે. ભૂતકાળમાં તેણે કહ્યું હતું કે રણજી ટ્રોફી જીતવી એ એક સપનું છે જે પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યું છે અને તમિલનાડુ હજુ પણ પ્લેઓફની દોડમાં છે. તેથી તે સફેદ જર્સી પહેરે તેવી શક્યતા છે. આઇપીએલમાં તે ફરી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાઈ ગયો છે, જે તેના માટે શાનદાર વિદાય સમાન સાબિત થઈ શકે તેમ છે.
(અહેવાલ – વેંકટ કૃષ્ણા બી.)