સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉભા થયા અને પોતાના વિચારો રજૂ કરવા લાગ્યા. પોતાની વાત રાખતા દરમિયાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને લઈને નિવેદન આપ્યું હતું. જે બાદ એવું લાગી રહ્યું હતું કે જાણે વાવાઝોડું આવ્યું હોય. તમામ વિપક્ષોએ મળીને અમિત શાહ અને ભાજપ પર પ્રહારો શરૂ કર્યા છે. એક તરફ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ અમિત શાહન માફી માંગવા કહ્યું અને તેમના રાજીનામાની માંગ કરી હતી. આ દરમિયાન યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને બસપાના વડા માયાવતીએ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો પર આકરા પ્રહારો કર્યા છે.
જો તમે ભગવાનનું નામ લીધું હોત તો તમે સ્વર્ગમાં પહોંચી ગયા હોત
ખરેખરમાં ગઈકાલે સાંજે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરનું નામ લેવું આજકાલ એક ફેશન બની ગયું છે. બાબા સાહેબનું નામ દરેક પરિસ્થિતિમાં આંબેડકર-આંબેડકર-આંબેડકર-આંબેડકર તરીકે લેવામાં આવી રહ્યું છે. જો તમે ભગવાનનું આટલું નામ લીધું હોત તો તમે સ્વર્ગમાં પહોંચી ગયા હોત. શાહના આ નિવેદન બાદ વિપક્ષોએ શાહ પર પ્રહારો કર્યા હતા અને આજે સંસદમાં પ્રદર્શન કર્યું હતું.
આંબેડકરની સાથે ડ્રાફ્ટ કમિટિનું પણ અપમાન-મમતા બેનર્જી
શાહના નિવેદન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ તેને બંધારણ પર હુમલો ગણાવ્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું, ‘અમિત શાહની ટિપ્પણી માત્ર બીઆર આંબેડકરનું જ નહીં પરંતુ બંધારણ ડ્રાફ્ટ કમિટીના તમામ સભ્યોનું અપમાન છે. અમિત શાહની ટિપ્પણી એ લાખો લોકોનું અપમાન છે જેઓ માર્ગદર્શન અને પ્રેરણા માટે બીઆર આંબેડકર તરફ જુએ છે.’
RSSના ઈશારે શાહે નિવેદન આપ્યું- ઉદ્ધવ ઠાકરે
જ્યારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં કહ્યું, ‘ડો. બાબા સાહેબ આંબેડકર પર અમિત શાહની ટિપ્પણી ભાજપનો ઘમંડ દર્શાવે છે અને તેનો અસલી ચહેરો છતો કરે છે. પીએમ મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણી માટે અમિત શાહ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
આ સાથે ઠાકરેએ અમિત શાહના આ નિવેદનને લઈને RSS પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ અને આરએસએસના સમર્થન વિના અમિત શાહને ડૉ.આંબેડકર વિશે ટિપ્પણી કરવાની હિંમત ન થઈ હોત.
ભાજપ અને કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું બંધ કરે – માયાવતી
માયાવતીએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પર નિશાન સાધ્યું હતું. માયાવતીએ કહ્યું, ‘બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની આડમાં પોતાનો રાજકીય રોટલો શેકવાને બદલે કોંગ્રેસ અને ભાજપ એન્ડ કંપનીના લોકોએ તેમનું સંપૂર્ણ સન્માન કરવું જોઈએ.
આ પણ વાંચો: 2000 રૂપિયા આપો અને 5 મિનિટમાં આયુષ્માન કાર્ડ તૈયાર, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટા કૌભાંડનો કર્યો ભાંડાફોડ
આ પક્ષો માટે તેમના જે કોઈ ભગવાન છે તેનાથી કોઈ વાંધો નથી. પરંતુ દલિતો અને અન્ય ઉપેક્ષિત લોકો માટે તેમના એકમાત્ર ભગવાન બાબા સાહેબ ડૉ.ભીમરાવ આંબેડકર છે, જેમના કારણે જે દિવસે આ વર્ગોને બંધારણમાં કાયદેસરના અધિકારો મળ્યા, તે જ દિવસે આ વર્ગોને સાત જન્મો માટે સ્વર્ગ મળી ગયું હતું.
ભાજપના લોકો શરૂઆતથી જ બંધારણ બદલવા માંગતા હતાઃ રાહુલ ગાંધી
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “આ બંધારણની વિરુદ્ધ છે. ભાજપના લોકો શરૂઆતથી કહેતા હતા કે તેઓ બંધારણ બદલશે. તેઓ આંબેડકરજી અને તેમની વિચારધારાની વિરુદ્ધ છે. તેમનું એકમાત્ર કામ બંધારણને નષ્ટ કરવાનું છે અને આંબેડકરજીએ જે કામ કર્યું તે આખો દેશ જાણે છે”.
અમિત શાહના નિવેદન બાદ વિપક્ષી દળોના હુમલા દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે કોંગ્રેસે આંબેડકરને બે વખત ચૂંટણી હારવા મજબૂર કર્યા હતા.