Jamnagar Accident : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામ પાસે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈક પર બેઠેલા જોડિયા તાલુકાના વાવડી ગામના માતા પુત્ર ઘાયલ થયા છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના વાવડી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા દિલીપભાઈ ગોવિંદભાઈ મકવાણા (33) કે જેઓ ગઈકાલે પોતાના માતા જબુબેનને લઈને જામનગર આવ્યા હતા, અને પોતાના બાઈક પર બેસીને વાવડી ગામેં પરત જવા માટે નીકળ્યા હતા.
જે દરમિયાન જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે. 03 એન.એફ. 3831 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં માતા પુત્ર બંનેને ઈજા થઈ હતી, અને તેઓને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોષી એ. ડિવિઝન પોલીસ બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્ત દિલીપભાઈ મકવાણાની ફરિયાદના આધારે કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.