દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કો
.
IPS અધિકારીની બદલી થતાં જ ટપોરીના બીજી એજન્સીમાં આંટાફેરા શરૂ ગુજરાતમાં તાજેતરમાં IPS અધિકારીઓની બદલી આવી અને તેમાં ઘણા એવા નિર્ણયો થયા જેમાં કેટલાક લોકોને તકલીફ પડી છે. જેમાં ખાસ કરીને અમદાવાદનો એક ટપોરી જે અગાઉ અધિકારીઓની આઘીપાછી કરવા માટે જાણીતો હતો. એટલું જ નહીં નવા સાહેબ આવે તો નોનવેજનું ટિફિન લઇને પહોંચી જતો અને રોજ અલગ અલગ ઓફિસોના ચક્કર લગાવતો હતો. પરંતુ તેમના આકા ગણાતા IPS અધિકારીની બદલી થઈ ગઈ અને હવે તેનું શું થશે તેમ કહીને તે બીજી એજન્સીના દરવાજા ખખડાવવા લાગ્યો છે. એક સમય એવો હતો કે તે કહેતો કે મારા સાહેબ બધુ કરી દેશે, પરંતુ હવે નીચી કક્ષાના પોલીસ કર્મચારીઓ પણ તેને ગાંઠતા નથી.
સુરત ક્રાઈમ બ્રાન્ચના ACP પદ માટે હરીફાઈ કરતા ઉમેદવારોનો દાવેદરી માટે ધમધમાટ છેલ્લા 1 વર્ષથી સુરત ક્રાઈમ બ્રાન્ચમાં એસીપી નથી. 1 વર્ષ પસાર થઈ ગયું હોવા છતાં સુરત ક્રાઈમ બ્રાન્ચમાં એસીપીની નિમણૂક ન થવા અંગે ચર્ચાઓ જોર પર છે. માનવામાં આવે છે કે, ગૃહ વિભાગ આગામી દિવસોમાં ડીવાયએસપીના બદલીના આદેશ કરશે. 1 વર્ષ પછી સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી કોણ બનશે તેની ચર્ચા ખૂબ જ ઉઠી રહી છે. મહત્ત્વનું છે કે, સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી બનવા માટે ઘણા અધિકારીઓ અમદાવાદ સુધી દોડ કરી રહ્યા છે. આ પદ માટે ઉચ્ચ અધિકારીઓથી લઈને રાજકીય નેતાઓ સુધી સતત સંપર્ક કરીને અને ફોન પર ફોલોઅપ લઈને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં આવા ઘણા અધિકારીઓ છે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી સુરત છોડવા માંગતા નથી. ઉલ્લેખનીય છે કે, 1 વર્ષ પહેલાં સુરત ક્રાઈમ બ્રાંચના એસીપી ભાવેશ રોઝિયા હતા. 1 વર્ષ પહેલાં નવેમ્બરમાં ગૃહ મંત્રાલયે તેમને આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપીને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસપી) બનાવ્યા હતા. પ્રમોશન બાદ તેઓ ક્રાઈમ બ્રાંચના એસીપીમાંથી સીધા ડીપીસી બની ગયા. ત્યારથી આ પદ ખાલી છે. હાલના સમયે, છેલ્લા 1 વર્ષથી એસીપીથી ડીસીપી બનેલા ભાવેશ રોઝિયા એસીપીનો પણ ચાર્જ સંભાળી રહ્યા છે.
અમદાવાદના એક પીઆઇને કદાચ બદલીનો ડર નથી થોડા સમય પહેલાં રાજ્યના પોલીસવડા દ્વારા વિવાદિત પોલીસ કર્મચારીઓને જિલ્લા બહાર મુકવામાં આવ્યા હતા. એટલું જ નહીં તેઓની બદલી બહાર થતાં કેટલાક પોતાનો કારોબાર છોડીને ગયા તો કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટર તેમને સામેથી જ દૂર કરી દીધા હતા. પરંતુ અમદાવાદમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર એવા છે કે, જેમને આવી કોઇ ચિંતા જ નથી અને તેમણે તેમનો કારોબાર પૂર્વ વિવાદિત પોલીસ કર્મચારી પાસે ચાલુ જ રાખ્યો છે. અનેક વિવાદમાં આવેલો આ ખેલાડી હજુ પણ આ વિસ્તારનો કારોબાર ચલાવી રહ્યો છે અને તેની જાણ તમામ લોકોને છે, પરંતુ આ વિસ્તારના અધિકારીને જાણે કશું જ પડી નથી તેમ માનીને તેને ખસેડવાની તસ્દી પણ લીધી નથી.
એજન્સીના એક અધિકારીને તેની નિવૃત્તિ ત્યાંથી જ થાય તેવી લાગણીઓ ઉદભવી સારી જગ્યા પર નોકરી કરવી કોને ના ગમે, પરંતુ કોઇપણ જગ્યા કાયમી હોતી નથી તેવું કેટલાક લોકો ભૂલી જાય છે. ગુજરાતની મહત્વની એક જગ્યા ગણાતી પોસ્ટ પર સામાન્ય રીતે રાજકીય ભલામણથી નિમણૂક થતી હોય છે, પરંતુ અહીંયા બિરાજમાન એક અધિકારીને આ જગ્યા હવે લીઝ ઉપર મળી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, તેમને હવે નિવૃત્તિનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે તેઓ એવું માની રહ્યા છે કે, તેમની નિવૃત્તિ અહીંયાથી જ થશે અને આ ચર્ચા સાથે કેટલાક લોકો તેમની જ કેચરીમાં એકબીજાના કાનમાં કંઈક કહી રહ્યા છે.
રાજકોટ ACP સાયબર ક્રાઈમની જગ્યા છેલ્લા 9 મહિનાથી ખાલી રાજકોટ સહીત આખા રાજ્ય અને દેશમાં સાયબર ક્રાઇમના બનાવમાં દિવસેને દિવસે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં પણ 10,000થી લઈને 1 કરોડ સુધી સાયબર ફ્રોડની ફરિયાદો થવા લાગી છે, ત્યારે સાયબર ક્રાઇમને રોકવા માટે ખાસ ગૃહ વિભાગ દ્વારા રાજકોટમાં સાયબર ક્રાઇમ આખું પોલીસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં એક એસીપી અને ત્રણ-ત્રણ પીઆઇનું મહેકમ આપવામાં આવ્યું છે. જોકે, લોકસભા ચૂંટણી પહેલાં એટલે 14 માર્ચ 2024ના રોજ ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 8 IPS અને 65 DySPની બદલી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ સાયબર ક્રાઇમના તત્કાલીન એસીપી વિશાલ રબારીની લીંબડી DySP તરીકે બદલી થતા આજે 9 મહિના થયા રાજકોટ એસીપી સાયબર ક્રાઇમની જગ્યા ખાલી પડી છે. જેના કારણે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓ પોતાની જાતે કામ કરી રહ્યા છે, જેના પર એક પણ પ્રકારનું રોકટોક કે સુપરવિઝન નથી. આજે સાયબર ફ્રોડનો શિકાર બનતા અનેક ફરિયાદીઓ રઝળી રહ્યા છે અને તેમની ફરિયાદના નિકાલ ત્વરિત રીતે થઇ શકતા નથી. જોકે, હવે આ ખાલી પડેલી જગ્યા સરકારના ધ્યાને ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે, પરંતુ હાલના તબક્કે જોવા જઈએ તો આ ખાલી જગ્યા તત્કાલિક અસરથી ભરવાની તાકીદે જરૂરિયાત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વિવાદિત પોલીસકર્મીને શહેરની બહાર તગેડ્યા પણ એક ACPના પેટનું પાણી નથી હલતું ગુજરાતના વિવાદિત પોલીસ કર્મચારીઓ હાલ અલગ અલગ જિલ્લામાં હાજર થયા છે. તેઓ જ્યારે અમદાવાદમાં હતા ત્યારે અનેક કારોબારમાં તેમના રંગાયેલા હતા. જે ગેરકાયદેસર પ્રવૃત્તિથી લઇને અધિકારીઓની આસપાસમાં રચ્યા પચ્યા રહેતા હતા. હવે તેઓને તેમના જ અધિકારીઓએ દૂર કરવાનું શરૂ કર્યું છે, પરંતુ અમદાવાદના એક ACPને આવા જાદુગરનું એટલું બંધુ ઘેલું લાગ્યું છે કે, તેઓ ના તેને ખસેડી શક્યા અને તેઓ જાણે કશું બન્યું જ નથી તેમ આંખો બંધ કરીને બધું જોઇ રહ્યા છે. આ એસીપીના ખાસ જાદુગર તરીકે જાણીતા વ્યક્તિને સિનિયર આઇપીએસ અધિકારી જો કડક સજા કરવાનું કહે અને જો એસીપી કક્ષાના અધિકારી આવી માનસિકતા ધરાવતા પોલીસ કર્મચારીને મદદ કરે તો ખરેખર ઉચ્ચ સ્તરે લેવાયેલો નિર્ણયનો કોઇ અર્થ રહેતો નથી. હાલ એવી પણ ચર્ચા છે કે આ જાદુગર સાથે ભાજપના પણ એક વ્યક્તિએ ક્યાંક રોકાણ કર્યું છે.
અમદાવાદના એક PIએ ચોરીના દાગીના ખરીદનાર વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા અમદાવાદ શહેરના એક પીઆઇએ ચોરીની તપાસ દરમિયાન ચોરીના દાગીના ખરીદનાર વેપારી પાસે 80 હજાર રૂપિયાની માગ કરી હતી. પીઆઇએ ચોરીની તપાસ દરમિયાન આરોપીઓને ઝડપ્યા હતા. ત્યાર બાદ આ ચોરીની તપાસમાં આરોપીઓએ જે વ્યક્તિને દાગીના વેચ્યા હતા તે વ્યક્તિને પોલીસે નિવેદન માટે બોલાવ્યા હતા. નિવેદન માટે બોલાવ્યા બાદ આ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં જ બેસાડી દેવામાં આવ્યા હતા. અને આ દરમિયાન પીઆઇ દ્વારા તેમની પાસથી 80 હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા. વેપારીએ રકજક કરી છતાં પીઆઇએ અહીંથી જવું હશે તો પૈસા તો આપવા જ પડશે તેમ કહીને પૈસા પડાવ્યા.