– દિવાળી વેકેશન બાદ બેકાર બનેલો ઉધના વિજયાનગરનો અનિકેત ઠાકુર નોકરી શોધવા ગયો હતો પણ ઘરે તેનો મૃતદેહ આવ્યો
– પાંચ વર્ષથી રત્નકલાકાર તરીકે કામ કરતા અનિકેતે કેબલ બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવ્યું હતું : તેના મોતને પગલે પરિવાર ઉપર આભ તૂટી પડયું
સુરત, : સુરતના હીરા બજારમાં છેલ્લા 50 વર્ષમાં ક્યારેય નહીં આવેલી મંદીને લીધે રત્નકલાકારો આપઘાત કરી રહ્યા છે.દિવાળી વેકેશન બાદ બેકાર બનેલો ઉધના વિજયાનગરનો રત્નકલાકાર નોકરી શોધવા ગયા બાદ ગુમ હતો.ગતરાત્રે તેનો મૃતદેહ મક્કાઈપુલ નીચે તાપી નદીમાંથી મળતા તેના પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું.પાંચ વર્ષથી નોકરી કરતા રત્નકલાકારે નોકરી નહીં મળતા ટેંશનમાં કેબલ બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.
બનાવ અંગે ફાયરબ્રિગેડના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગતરાત્રે 11.44 કલાકે મક્કાઈપુલ નીચે તાપી નદીમાં એક યુવકનો મૃતદેહ નજરે ચઢતા ફાયરબ્રિગેડ ત્યાં પહોંચ્યું હતું અને લાશ બહાર કાઢી તપાસ કરતા તેના ખિસ્સામાંથી ડ્રાઈવીંગ લાયસન્સ મળ્યું હતું,તેના આધારે તેની ઓળખ ઉધના વિજયાનગરમાં રહેતા 25 વર્ષીય અનિકેત દિપકભાઈ ઠાકુર તરીકે થઈ હતી.ફાયરબ્રિગેડે લાશનો કબજો રાંદેર પોલીસને સોંપતા પોલીસે તેનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે અનિકેત માતાપિતા અને બહેન સાથે રહેતો હતો અને રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો.જોકે, દિવાળી વેકેશન બાદ હીરા બજારમાં આવેલી કારમી મંદીમાં તેની નોકરી છૂટી ગઈ હતી.
અનિકેત નોકરી શીધતો હતો પણ તેને નોકરી મળતી નહોતી અને તેને લીધે તેના પરિવારની આર્થિક સ્થિતી દયનીય થઈ ગઈ હતી.આથી તે ટેંશનમાં રહેવા લાગ્યો હતો.બે દિવસ અગાઉ તે નોકરી શોધવા જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો અને નોકરી નહીં મળતા તેના ટેંશનમાં કેબલ બ્રિજ ઉપરથી તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો.અનિકેતના મોતને પગલે પરિવાર ઉપર આભ તૂટી પડયું છે.