7 દિવસ પેહલા
- કૉપી લિંક
રુ દત્તાત્રેયની જયંતી આવી રહી છે, ત્યારે આજે મંદિરયાત્રામાં ગુરુ દત્તાત્રેયના મંદિર અંગે જાણકારી મેળવીએ. સૌરાષ્ટ્રના ગિરનાર પર્વતની પાંચમી ટેકરી ગુરુશિખર તરીકે જાણીતી છે. અહીં ગુરુ દત્તાત્રેયનું મંદિર છે, જ્યાં દત્તાત્રેયની ચરણપાદુકા છે. આ ચરણપાદુકાનાં દર્શન કરવા દેશ-વિદેશથી અનેક ભાવિક ભક્તો ગિરનાર આવે છે. કહેવાય છે કે માતા-પિતાની આજ્ઞાથી દત્તાત્રેયે અહીં લગભગ 12,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી. આવી કઠોર તપશ્ચર્યા કરવાથી આ સ્થળે તેમની ચરણપાદુકા હતી અને અહીં જ દત્તાત્રેય સગુણમાંથી નિર્ગુણ બન્યા હતા. દત્તાત્રેય જ્યારે તપશ્ચર્યા કરતા હતા, એ દરમિયાન એક વાર ભયંકર દુષ્કાળ પડ્યો. માનવો, પશુ-પંખી, જીવ-જંતુ ટપોટપ મરવા લાગ્યા. એ સમયે દત્તાત્રેયનાં માતા સતી અનસૂયાએ દત્તાત્રેયને આનો કોઇ ઉકેલ લાવવાનું કહ્યું. ત્યારે દત્તાત્રેયે તપશ્ચર્યામાંથી જાગૃત થઇને પોતાનું કમંડળ એક પથ્થર પર માર્યું. ત્યાંથી ગંગાજી પ્રગટ થયાં. આ સ્થાનને કમંડળ કુંડ તરીકે ઓળખવામાં આવે છે. નાથ પરંપરામાં દત્તાત્રેયના ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. દત્તાત્રેયને દૈવી ત્રિમૂર્તિ – બ્રહ્મા, વિષ્ણુ અને શિવ – નો અવતાર પણ માનવામાં આવે છે. દત્તાત્રેય મંદિર પાસે આવેલા અન્નક્ષેત્રમાં યાત્રાળુઓ અને સાધુ-સંતોને ભોજન કરાવવામાં આવે છે. દત્તાત્રેયના મંદિરથી થોડે દૂર જતાં અનસૂયાની ટૂક પણ આવેલી છે.