Nal Se Jal Scheme: ગુજરાતમાં રાજ્ય સરકારે ઘણાં સમય પહેલાં જ રાજ્યમાં 100 ટકા ‘નલ સે જલ’ યોજનાની જાહેરાત કરી દીધી છે. ગુજરાત સરકારના વાયદા મુજબ, તેઓએ દરેક ઘરમાં નળથી જળ પહોંચાડી દીધું છે અને હવે કોઈ ગામ એવું નથી જ્યાં લોકોને પાણી ભરવા અનેક કિલોમીટરો સુધી જવું પડે. પરંતુ આ 100 ટકાના આંકડા ફક્ત ચોપડા સુધી જ સીમિત છે. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગાયાવાંટ ગામના કાચલી ફળિયામાં ઘરે-ઘરે પાણી મળે તે માટે પાણી પુરવઠા વિભાગે ત્રણ વર્ષ પહેલાં 50 હજાર લિટરની પાણીની ટાંકી તો બનાવી, પરંતુ પાઇપલાઈન નાંખવાનું જ ભૂલી ગયાં. અધિકારીઓ દ્વારા ફક્ત ટાંકીનું ખોખું તૈયાર કરીને, લાખો રૂપિયાના બિલ બનાવીને, સરકારી ચોપડી ચુનો ચોપડી દીધો છે.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડતા દિવાળી પહેલા સુરતના ગેમઝોન શરૂ થવાની સંભાવના
પાણીનો ભ્રષ્ટાચાર
તંત્ર દ્વારા ત્રણ વર્ષ પહેલાં જે લાખોના ખર્ચે ટાંકી બનાવવામાં આવી તે શોભાનો ગાંઠિયો બનીને ઊભી છે. ટાંકીમાં પાણી ભરાય તે માટે આજુબાજુમાં કોઈ બોર પણ કરવામાં નથી આવ્યો. આ પાણીની લાઇન ટાંકીની ફળિયા સુધી કરવાની હતી, પરંતુ અધિકારીઓએ તેની તસ્દી જ ન લીધી. લોકો આરોપ લગાવી રહ્યાં છે કે, લાખો રૂપિયા ‘નલ સે જલ’ના નામે અધિકારીઓ ખાઈ ગયાં છે.
આ પણ વાંચોઃ પાલિતાણાની શાળાના બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર, 120 બાળકોએ આરોગ્યું હતું ભોજન
પાણીની પાઇપલાઈન વિના જ પૂરું થઈ ગયું ‘નલ સે જલ’
સરકારે ‘નલ સે જલ’ યોજના હેઠળ આદિવાસી વિસ્તારોમાં કરોડો રૂપિયા ફાળવ્યા હતાં. ગામે-ગામ ટાંકીઓ બનાવાઈ હતી, પરંતુ ક્યાંક પાઇપલાઈન નથી નાંખી તો ક્યાંક નળ નથી લગાવ્યાં. ઘણી જગ્યાએ તો જૂની ટાંકી પર જ રંગરોગાન કરી દેવાયું છે. આ પ્રકારના ભ્રષ્ટાચારના કારણે અનેક ગામમાં હજુયે પાણીવિહોણા છે.