– આંકલાવના ખડોલ (હ) ગામ પાસેથી
– ઉત્તરાયણમાં વેચવા માટે જથ્થો લાવ્યા હોવાની આણંદ તાલુકાના ઝાખરિયા ગામના બંને શખ્સોની કબૂલાત
આણંદ : આંકલાવના ખડોલ (હ) પાસેથી બાઈક પર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૯૬ ફિરકી સાથે ઝાખરિયાના બે શખ્સો પોલીસે ઝડપી પાડયા છે. ચાઈનીઝ દોરીના જથ્થા સહિત રૂા. ૪૦ હજારના મુદ્દામાલ સાથે બંને શખ્સો વિરૂદ્ધ આંકલાવ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.
ઉત્તરાયણ પર્વને આડે હવે માત્ર એક મહિના જેટલો જ સમય બાકી રહ્યો હોવાથી વેપારીઓએ દોરી-પંતગના વેચાણ માટેની તૈયારીઓ આરંભી દીધી છે. બીજી બાજુ કેટલાક લોકોએ અત્યારથી જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો સ્ટોક કરવાનો શરૂ કરી દીધો છે. ત્યારે બે ઇસમો મોટરસાયકલ ઉપર ચાઈનીઝ દોરીના બે કાર્ટુન મુકી અંધારીયા ચોકડી તરફથી આસોદર તરફ આવનાર હતો. ત્યારે આંકલાવ પોલીસની ટીમે ખડોલ (હ) પાસે નવા બનતા રેલવે નાળા પાસે વૉચમાં હતી. તે દરમિયાન બાઈકને ઉભું રાખી પૂછપરછ કરતા મહેશ ગણપતભાઈ વાઘેલા અને શૈલેષ શનાભાઈ ચાવડા (બંને રહે. ઝાખરીયા, ચાવડાપુરા, તા. આણંદ)ની અટકાયત કરી હતી. પોલીસે તેમની પાસેના બન્ને કાર્ટુનની તલાશી લેતાં તેમાંથી ચાઈનીઝ દોરીની ૯૬ નંગ ફિરકીઓ મળી આવી હતી. મકરસંક્રાંતિના તહેવાર અંતર્ગત વેચાણ કરવા માટે આ ચાઈનીઝ દોરીનો જથ્થો લાવ્યા હોવાની બંને શખ્સોએ કબૂલાત કરી હતી. પોલીસે રૂા. ૧૪,૪૦૦નો ચાઈનીઝ દોરીનો જથ્થો, ૧૦ હજારના બે મોબાઈલ, રૂા. ૫૦૦ રોકડા, ૧૫ હજારનું બાઈક મળી કુલ રૂા. ૩૯,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા બંને યુવકો વિરૂદ્ધ બીએનએસ એક્ટની કલમ ૨૨૩ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.