Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી નજીક આવી ગઈ છે, તમામ પક્ષોના ઉમેદવારો પતાનું ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. આજે સાબરકાંઠા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ડો.તુષાર ચૌધરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પહેલા તેમણે જાહેર સભાને સંબોધી હતી. જેમાં તેઓ સ્ટેજ પર જ ભાવુક થઈ ગયા હતા. તુષાર ચૌધરી પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરતા તેઓ રડી પડ્યા હતા. તેમના પિતા રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
કોંગ્રેસના ઉમેદવારો થયા ભાવુક
સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો. તુષાર ચૌધરી આજે ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમણે જાહેર સભા સંબોધી હતી. આ દરમિયાન ડો. તુષાર ચૌધરી પિતા અમરસિંહ ચૌધરીએ દુષ્કાળ સમયે રાજ્ય અને આદિવાસી વિસ્તારમાં કરેલી કામગીરીને યાદ કરીને રડી પડ્યા હતા અને તેમના સમર્થકો પણ ભાવુક થઈ ગયા હતા. આ જાહેર સભામાં બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે,15મી એપ્રિલે બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઉમેદવારી પત્ર ભરતા પહેલા ભાવુક થઈ ગયા હતા. જ્યારે સુરેન્દ્રનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રોડ શો દરમિયાન માતા અને બહેનને ભેટીને રડી પડ્યા હતા.
સાબરકાંઠા બેઠક પર રાજકીય ભૂકંપ
સાબરકાંઠા બેઠકથી ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ પી. ઝાલાના અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવાનો મેસેજ વાયરલ થતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ઉમેદવારને લઈને ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. જ્યારે ભાજપના કાર્યકરો પ્રચારમાં નિરસ જોવા મળી રહ્યા છે. ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 19મી એપ્રિલે શુભ મુહૂર્તમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરતો સોશિયલ મીડીયા પર મેસેજ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે અપક્ષ ઉમેદવાર ગમે તે ઉમેદવારનું જીતનું ગણિત બગાડી શકે છે. આજે ભાજપના મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉલ્લેખનીય કે, સાબરકાંઠા બેઠક ભાજપ માટે પહેલાથી જ વિવાદમાં રહી છે. અહીં પહેલા ભાજપે ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા. બાદમાં તેમની જગ્યાએ મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે.
અમરેલીથી જેનીબેન ઠુમ્મરે ઉમેદવારી પત્ર ભર્યું
અમરેલી બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે ઉમેદવારી પત્ર ભર્યું હતું. રેલીમાં જેનીબેન ટ્રેક્ટર પર સવાર થઈને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જેનીબેને કહ્યું કે,’આ કોઈ નવો પ્રયોગ નથી, ટ્રેક્ટર ખેડૂતોનું પ્રતિક છે. ખેડૂતોના પ્રશ્નોને સ્વર્ગના સપના બતાવીને નરકમાં ધકેલી દેવામાં આવ્યા છે. સરકાર ખેડૂતો માટે પાપ બની રહી છે ત્યારે ખેડૂતોનો અવાજ બનવાની સખ્ત જરૂર છે. તેમની વેદનાને અવાજ આપવાની જરૂર છે.’