– શહેરમાં વીજ અને પાણી કાપના પગલે લોકોમાં ભારે રોષ
– તરસમીયા ફિલ્ટર હેઠળના કાળીયાબીડ, ભરતનગર, શહેર ફરતી સડક સહિતના વિસ્તારમાં પાણી વિતરણ ઠપ્પ
ભાવનગર : ભાવનગર શહેરના ઘણા વિસ્તારોમાં આજે મંગળવારે વીજ કાપના પગલે પાણીના ધાંધીયા જોવા મળ્યા હતાં. વીજ કાપ અને પાણી કાપના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે વિસ્તારના નામ મહાપાલિકાની યાદીમાં ન હતા તેવા વિસ્તારોમાં પાણી નહીં આવતા લોકોએ નારાજગી વ્યકત કરી હતી. આવતીકાલે બુધવારે વીજ કાપના પગલે તખ્તેશ્વર ફિલ્ટર હેઠળના કેટલાક વિસ્તારમાં પાણી નહીં અપાય તેમ જાણવા મળેલ છે.
જીડબલ્યુઆઈએલ નાવડા પંપીગ સ્ટેશન ખાતે આજે મંગળવારનાં રોજ સવારે ૮ થી સાંજ સુધી પાવર કાપના કારણે પંપીગ બંધ રહ્યુ હતુ તેથી તરસમિયા ફિલ્ટર આધારીત અખિલેશ સર્કલ, સાગવાડી, વૃંદાવન સોસાયટી, મહાવીરનગર, શીવનગર, કાળીયાબીડ ડી, દેવરાજનગર, શહેર ફરતી સડક વગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહ્યુ હતું. મહાપાલિકાની યાદીમાં નામ ન હતા તેવા કાળીયાબીડ, ભરતનગર, ગાયત્રીનગર સહિતના ઘણા વિસ્તારમાં પાણી આવ્યુ ન હતુ તેથી લોકોએ રોષ ઠાલવ્યો હતો. વીજ તંત્રનુ કામ સાંજ સુધી ચાલ્યુ હતુ તેથી તરસમીયા ફિલ્ટરના ઘણા વિસ્તારમાં પાણી આપી શકાયુ નથી તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું. આ ઉપરાંત શેત્રુંજી ડેમ સાઈટ પર આજે મંગળવારે સવારે ૮ થી ૯.૩૦ પાવર બંધ રહેવાના કારણે ચિત્રા ફિલ્ટર ખાતેથી ઈશ્વરનગર વિસ્તારનો પાણી સપ્લાય બંધ રહ્યો હતો. વીજ કાપ અને પાણી કાપના પગલે લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
આવતીકાલે બુધવારના રોજ તખ્તેશ્વર ફિલ્ટર ખાતે પીજીવીસીએલ દ્વારા પાવર બંધ હોવાના કારણે ઘોઘાસર્કલ, આંબાવાડી વૃધ્ધાશ્રમ વગેરે વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે. શહેરના અન્ય વિસ્તારમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે તેમ ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવેલ છે. વીજ કાપના વાંકે લોકોને પાણી પણ મળતુ નથી તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે યોગ્ય આયોજન કરવા લોકો માંગણી ઉઠાવી રહ્યા છે.