Gujarat Education System: એક બાજુ, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે. દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગુજરાત આવી રહ્યાં છે તેવા દાવા કરવામાં આવી રહ્યાં છે ત્યારે બીજી તરફ, શિક્ષણ ક્ષેત્રમાં કેટલી હદે પોલંપોલ ચાલી રહ્યુ છે તે વાતનો પર્દાફાશ થયો છે.
કેન્દ્ર સરકાર, યુજીસી ઉપરાંત રાજ્ય સરકારે જે પાટણની એમ. કે. યુનિવર્સિટીને મંજૂરી આપી છે તેનું આજે ખેતરમાં અસ્તિત્વ છે. એટલુ જ નહીં, યુનિવર્સિટીએ જે બિલ્ડીંગ દર્શાવ્યુ છે તે ખેતપેદાશનું ગોડાઉન છે. ગુજરાત વિધાનસભાએ જાહેરનામું બહાર પાડ્યુ હતું તે એમ.કે. યુનિવર્સિટી માત્રને માત્ર કાગળ પર ચાલી રહી છે. આમ, શિક્ષણ ક્ષેત્ર પણ કલંકિત થયુ છે.
UGC-ગુજરાત સરકારે મંજૂરી આપી તે ખાનગી MK યુનિવર્સિટી ખેતરમાં
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં પણ કેટલી હદે લોલમલોલ ચાલી રહ્યુ છે જાણે કે, કોઇ જોનાર જ નથી. પાટણ વિસ્તારમાં એમ.કે. યુનિવર્સિટીને કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારે મંજૂરી આપી છે. યુજીસીએ પણ ખાનગી યુનિવર્સિટી તરીકે એમ.કે.યુનિવર્સિટીને માન્યતા આપી છે. જ્યારે ગુજરાત વિધાનસભાએ જાહેરનામું બહાર પાડ્યું ત્યારે એમ.કે.યુનિવર્સિટીનું સરનામું હનુમાનપુરા દર્શાવવામાં આવ્યુ હતું. યુજીસીએ મંજૂરી આપી તે પત્રમાં પણ આ ખાનગી યુનિવર્સિટીનું સરનામુ હનુમાનપુરા દર્શાવાયુ છે.
આ સ્થળની તપાસ કરતાં માલુમ પડ્યું કે, આ સ્થળે માત્ર એમ.કે, યુનિવર્સિટીનું બોર્ડ લગાવાયુ છે જ્યાં એક ખેતર આવેલું છે. યુનિવર્સિટીનું બિલ્ડીગ દર્શાવાયુ છે તે ખેતપેદાશના ગોડાઉન જેવું છે.
વાસ્તવમાં આ બઘુય યુજીસીના નિયમો-શરતોને આધિન નથી. આ સમગ્ર પ્રકરણ મુદ્દે પાટણના ધારાસભ્ય કીરીટ પટેલે શિક્ષણમંત્રી ૠષિકેશ પટેલને મળી રજૂઆત કરી હતીકે, એમ.કે.યુનિવર્સિટીનો સોદો કરી દેવાયો છે. રાજસ્થાનની સનરાઇઝ યુનિવર્સિટીના માલિક જીતેન્દ્ર યાદવને આ ખાનગી યુનિવર્સિટી વેચી દેવામાં આવી છે.
આ જીતેન્દ્ર યાદવ નકલી ડીગ્રીના કૌભાંડમાં હાલ રાજસ્થાની જેલમાં છે. આ ઉપરાંત હાલ માતરવાડીમાં એમ.કે.યુનિવર્સિટીની બિલ્ડીંગ દર્શાવાઇ છે જ્યાં એકેય વિદ્યાર્થી અભ્યાસ કરતો નથી.
અઘ્યાપક સહિત અન્ય કોઇ સ્ટાફ સુઘ્ધાં નથી. આમ, ખાનગી યુનિવર્સ્ટી માત્રને માત્ર કાગળ પર ધમધમી રહી છે. આ સમગ્ર મામલે સીઆઇડી ક્રાઇમની તપાસ કરાવવા શિક્ષણમંત્રી સમક્ષ માંગ કરવામાં આવી છે. આ પ્રકરણે શિક્ષણ ક્ષેત્રને પણ કલંકિત કર્યુ છે.