Unjha APMC Election : ચૂંટણી જાહેર થતાં જ કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઊંઝા એપીએમસીના વહિવટની ઘૂરા સંભાળવા માટે ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ મંત્રી નારાયણ પટેલના જૂથો આમને સામને આવી ગયા હતા.
ભાજપ સંગઠને ચૂંટણી સમરસ બનાવવા માટે કરેલ સમજાવટનો કોઈ પરિણામ મળ્યો ન હતો. ત્યારબાદ ખેડૂત વિભાગની 10 બેઠકો પર 20 અને વેપારી વિભાગની 4 બેઠકો ઉપર 16 મળી કુલ 36 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં રહ્યા હતા.
ખરીદ વેચાણ વિભાગની એકમાત્ર બેઠક પરથી પૂર્વ ચેરમેન દિનેશ પટેલ બિન હરીફ થયા હતા. જોકે સંમૃદ્ધ એપીએમસી પર કબજો મેળવવા ધારાસભ્યા કિરીટ પટેલ, પૂર્વ મંત્રી નારણ પટેલ, સંસદ સભ્ય સહિતના આગેવાનોએ પ્રદેશ કક્ષાએ મેન્ડેટ આપવા માટે પ્રેશર ટેકનિક અપનાવતા મોવડી મંડળ દ્વારા ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ એકાએક 14 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા.
આજે પરિણામ જાહેર થતા ખેડૂત વિભાગમાં ધારાસભ્ય કિરીટ પટેલ જૂથના ભાજપના મેન્ડેટ ધરાવતા પાંચ જ્યારે ખેડૂત વિભાગમાં ભાજપનું મેન્ડેટ ધરાવતા પૂર્વ મંત્રી નારણ પટેલના જૂથમાં પૌત્ર સહિત બે ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો. આમ માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપના જ સભ્યો અને ભાજપના જ સભ્યો જીત્યા જેવી સ્થિતિ નિર્માણ પામી છે.
‘ઈફ્કો’ની ચૂંટણી વખતે પણ જયેશ રાદડીયાએ મેન્ડેટ માન્યો નહોતો
ઊંઝા યાર્ડની ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારોનો પરાજ્યથી ફરે એકવાર ભાજપના સહકારી ક્ષેત્રે ધરાર અપાતા મેન્ડેટનો ફજેતો થયો છે. હજુ છ માસ પહેલા જ ઈફ્કોના ડાયરેક્ટરની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયા વિરુદ્ધ અમદાવાદના બીપીન પટેલ (ગોતા) તરફી ભાજપે મેન્ડેટ આપતા રાદડીયાએ ઈફ્કોમાં જ્વલંત વિજય મેળવીને ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયુ કરી નાંખ્યું હતું અને આમ છતાં સહકારી ક્ષેત્રે પ્રદેશ ભાજપની દરમિયાનગીરી જારી રહી છે.
ભાજપના મેન્ડેટવાળાની હાર થઈ હતી એટલે આના પછી તુરંત આવેલી નાફેડના ડાયરેક્ટરની ચૂંટણીમાં પ્રદેશ ભાજપે મેન્ડેટ આપવાનું ટાળીને બંધબારણે ગોઠવણી કરવી પડી હતી.
ઉલ્લેખનીય છે કે જયેશ રાદડીયાની ઈફ્કોમાં ઉમેદવારી વખતે ભાજપમાં ભારે ધમાસાણ મચ્યું હતું. સી.આર.પાટિલે અગાઉ એમ કહ્યું હતું કે સહકારી ક્ષેત્રે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ઈલુ ઈલુ કરીને નક્કી કરે લે તે નહીં ચાલે, પક્ષ મેન્ડેટ આપશે એ સામે દિલિપ સંઘાણીએ સંભળાવ્યું હતું કે પક્ષપલટો કરીને આવેલાને પદ આપી દેવાય તે ઈલુ ઈલુ કહેવાય. અને આ જ સંઘાણી બાદમાં વટથી ઈફ્કોના ફરીવાર ચેરમેન પદે પણ ચૂંટાઈ આવ્યા હતા.