Bhima Dula Odedara Arrested : પોરબંદરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલા ઓડેદરા સહિત ચાર શખ્સોની આદિત્યાણા નજીક તેના ફાર્મ હાઉસથી ધરપકડ કરવામાં આવી છે. વહેલી સવારે પોલીસે ગુપ્ત રીતે દરોડા પાડીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. પોરબંદરના નામચીન ભીમા દુલા ઓડેદરા ધરપકડની સાથે હથિયારો અને રોકડ પણ કબ્જે કરાઈ છે. જણાવી દઈએ કે, થોડા દિવસો અગાઉ થયેલી મારામારીના કેસમાં ધરપકડ થઈ હોવાની પ્રાથમિક માહિતીમાં જણાવાય રહ્યું છે.
જીવલેણ હથિયારો અને લાખો રૂપિયાની રોકડ જપ્ત
મળતી માહિતી અનુસાર, દરોડા દરમિયાન પોલીસને 70 જેટલા હથિયારોનો મોટો જથ્થો અને રૂ.90 લાખથી વધુની રકમ પણ જપ્ત કરાઈ છે. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટા પોલીસ કાફલા સાથે પોલીસે ઓપરેશન પાર પાડ્યુ હતું. જોકે સમગ્ર ઓપરેશન અંગે જિલ્લા પોલીસવડા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપશે.
આ પણ વાંચો : 3800 પોલીસકર્મીઓની કરાશે ભરતી, રાજ્ય સરકારનું ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મોટું એલાન
કયા મામલે અને કેવી રીતે થઈ ધરપકડ?
પોરબંદર નજીકના બોરિચા ગામે કેટલાક દિવસો પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. જે મામલે અજાણ્યા ત્રણ શખસો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જોકે ત્યારબાદ આદિત્યાણાના ભીમા દુલાનું પણ નામ અપાયું હોવાનું ધ્યાને આવતા પોલીસના ધાડેધાડા આદિત્યાણામાં ભીમા દુલાની વાડી (ફાર્મ હાઉસ) પર સવારે પાંચ ઉતારવામાં આવ્યા હતા. જ્યાંથી ભીમા દુલા સહિત ચાર શખસોની ધરપકડ કરીને પૂછપરછ માટે પોરબંદર લવાયા હતા. ડી.એસ.પી. ભગીરથસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી., એણુ.સી.ભી. સહિતના સ્ટાફ સાથે ભીમા દુલા ઓડેદરાની પૂછપરછ કરાઈ હતી.
જણાવી દઈએ કે, ભીમા દુલા પૂર્વ ધારાસભ્ય કરસન દુલાના ભાઈ છે. ભીમા દુલા ભૂતકાળમાં વોન્ટેડ હતો ત્યારે 3 વર્ષ બરડાના જંગલમાં રહ્યો હતો. બાદમાં પોરબંદર પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. રાણાવાવ ડબલ મેર્ડર કેસમાં સજા થઈ હતી અને જેલમાં રહ્યો હતો. પોરબંદરના ગેંગ વોરમાં નામ આવ્યું હતું.