US H-1B Visa Cut: અમેરિકાની ટોચની ટેક્નોલોજી કંપનીઓએ આ વર્ષે એચ-1બી વિઝાની સ્પોન્સરશિપમાં 5થી 10 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝ મારફત જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, એમેઝોન, ગૂગલ, આઈબીએમ જેવી કંપનીઓએ આ વર્ષે એચ1-બી વિઝાની સ્પોન્સરશિપમાં ઘટાડો કરતાં ભારતીય પ્રોફેશનલ વર્કર્સને મોટો ઝટકો લાગ્યો છે.
આ વર્ષે 2024માં ટોચની 15 સ્પોન્સરિંગ કંપનીઓ દ્વારા H-1B વિઝા મંજૂર કરવાનો રેશિયો સરેરાશ 5.12 ટકા ઘટ્યો છે. 2023માં કુલ 56565 H-1B વિઝા સ્પોન્સર કર્યા હતા, જ્યારે 2024માં (1 ઓક્ટોબર-23 થી 30 સપ્ટેમ્બર-24) 53665 વિઝા મંજૂર થયા હતા. એમેઝોને પણ 2023માં 11000 H-1B વિઝા મંજૂર કર્યા હતા. જે ઘટી 2024માં ઘટી 7000 થયા છે.
ભારતીયોને સૌથી વધુ H-1B વિઝા
USCIS ના આંકડાઓ અનુસાર, H-1B વિઝા મેળવવામાં ભારતીયો હંમેશાથી અગ્રેસર રહ્યા છે. નાણાકીય વર્ષ 2023માં કુલ મંજૂર થયેલા H-1B વિઝામાંથી 72.3 ટકા વિઝા ભારતીયોને મળ્યા હતા. જ્યારે ચીનને 11.7 ટકા વિઝા મળ્યા હતા. ગત નાણાકીય વર્ષમાં કુલ 386000 H-1B વિઝામાંથી ભારતીયોને 279000 વિઝા ફાળવવામાં આવ્યા હતા.
ભારતીય આઈટી કંપનીઓએ પણ પ્રમાણ ઘટાડ્યું
અમેરિકામાં કાર્યરત ભારતીય ટોચની આઈટી કંપનીઓએ પણ સ્પોન્સરશિપમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. ઈન્ફોસિસે ગતવર્ષે 7300ની તુલનાએ આ વર્ષે 5900 H-1B વિઝા મંજૂર કર્યા હતા. જ્યારે ટાટા કન્સલ્ટન્સીએ માંડ 1600 વિઝાને મંજૂરી આપી હતી.
કોણે કેટલા ઓછા H-1B વિઝા સ્પોન્સર કર્યાં
H-1B વિઝા અંતર્ગત અન્ય દેશના આઈટી-ટેક્નિશિયન સંબંધિત કર્મચારીઓને અમેરિકામાં કામ કરવાની તક મળે છે. જેમાં તેમનો ત્રણ વર્ષનો વર્ક વિઝા મંજૂર થાય છે. જો કે, તેના માટે અમેરિકામાં કાર્યરત આઈટી-ટેક્નો કંપની પાસેથી જોબ લેટર કે સ્પોન્સર લેટર મેળવવાનો હોય છે. 2016થી અમેરિકાની કંપનીઓએ H-1B વિઝાનું પ્રમાણ 189 ટકા સુધી વધાર્યું હતું.
H-1B વિઝામાં ઘટાડો પાછળનું કારણ
H-1B વિઝામાં ઘટાડો થયો હોવા પાછળનું કારણ વૈશ્વિક સ્તરે મંદી અને જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ દર્શાવી છે. તદુપરાંત એઆઈના લીધે ટોચની આઈટી કંપનીઓના બિઝનેસ મોડલ પર અસર થઈ છે. વધુમાં અમેરિકા દ્વારા સ્ટુડન્ટ વિઝા પોલિસીમાં સુધારો થતાં આઈટી કંપનીઓ બહારથી કર્મચારીઓને સ્પોન્સર કરવાને બદલે આ વિદ્યાર્થીઓને જ નોકરી આપવા પ્રાધાન્ય આપી રહી છે. બીજી તરફ ટ્રમ્પ દ્વારા H-1B વિઝા કડક કરવાની ભીતિ પણ જોવા મળી છે. જેથી આગામી સમયમાં ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં કામ કરવુ અઘરુ બની શકે છે.