India vs Australia 3rd Test Day 3 Live Scorecard: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેનના ગાબામાં ચાલી રહી છે. આજે (16 ડિસેમ્બર) GABA ટેસ્ટનો ત્રીજો દિવસ છે. ઓસ્ટ્રેલિયન ટીમે તેના પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમનો પ્રથમ દાવ શરૂ થતાં જ ટીમ ઈન્ડિયાના દિગ્ગજો ફ્લોપ રહ્યા. ટીમ ઈન્ડિયાનો સ્કોર 27 રને 3 વિકેટ પર પહોંચતા જ ફરી એકવાર વરસાદનો વિઘ્ન નડ્યો હતો અને મેચ અટકી ગઈ. ત્યારબાદ મેચ સમયાંતરે શરૂ થતી રહી અને વરસાદ વિલન બનતો રહ્યો. હાલમાં ટીમ ઈન્ડિયાએ 48 રન બનાવી લીધા છે અને 4 વિકેટો પડી ગઈ છે. જોકે વરસાદને કારણે ફરી એકવાર રમત અટકી ગઇ હતી.
ગાબામાં ટીમ ઈન્ડિયાનો દેખાવ સારો નથી..
હાલમાં ક્રિઝ પર કેએલ રાહુલ અને રિષભ પંત રમી રહ્યા હતા પરંતુ વરસાદ બાદ મેચ શરૂ થતાં જ ઋષભ પંત 9 રન કરીને પેટ કમીન્સનો શિકાર થયો હતો. ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેન ગાબા મેદાન પર સાત ટેસ્ટ રમાઈ ચૂકી છે. જેમાં ભારતીય ટીમ 5 મેચ હારી છે અને એક મેચ ડ્રો પણ રહી છે. ગાબા ખાતે ટીમ ઈન્ડિયાએ એકમાત્ર ટેસ્ટ જાન્યુઆરી 2021માં જીતી હતી. ત્યારબાદ તેણે અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે હરાવ્યું હતું.
હેડ બાદ ફરી વખત સ્ટાર્ક ભારે પડ્યો
ઓસ્ટ્રેલિયન બેટિંગ દરમિયાન ફરી એકવાર ટીમ ઈન્ડિયાને ટ્રેવિસ હેડ ભારે પડ્યો હતો જેણે 152 રન ફટકાર્યા હતા. જ્યારે હવે બોલિંગમાં સ્ટાર્ક ફરી ત્રાટક્યો અને તેણે યશસ્વી જયસ્વાલને 4 રન, શુભમન ગિલને 1 રને આઉટ કરી ટીમ ઈન્ડિયાને જોરદાર ઝટકો આપ્યો હતો. જ્યારે હેઝલવૂડે કોહલીને 3 રનમાં સસ્તામાં આઉટ કરી પેવેલિયન ભેગો કરી દીધો હતો. હજુ ટીમ ઈન્ડિયા 419 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન સૌથી વધુ વિકેટ બુમરાહે 6, સિરાજે 2, નિતિશ રેડ્ડી અને આકાશ દીપે 1-1 વિકેટો ઝડપી હતી.