‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરતા નથી’ આ કહેવત નવસારી જિલ્લામાં વધુ એક વાર સાર્થક થવા પામી છે, નવસારી જિલ્લામાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસે કરોડો રૂપિયા લઈને પાકતી મુદતે વ્યાજ સાથે મુદ્દલ ન આપ્યા હોવાની એક ફરિયાદ ચીખલી પોલીસ મથકે નોંધાઈ છે.
રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપી કરાવ્યું રોકાણ
જેમાં એક જ પરિવારના ત્રણ મળી કુલ 5 લોકો દ્વારા 100થી વધુ રોકાણકારોને કરોડો રૂપિયામાં નવડાવ્યા છે, જેમાં એક હોમગાર્ડ જવાનનો પણ સમાવેશ થાય છે. ચીખલીના કસ્બા ફળીયા ખાતે રહેતા સાગર દિલીપભાઈ રાઠોડ અને તેનો નાનો ભાઈ વિશાલ દિલીપભાઈ રાઠોડ તેમજ પત્ની ચૈતાલી સાગર રાઠોડ અને મજીગામ ખાતે રહેતા સાળા મીરલ મહેશભાઈ પટેલ દ્વારા વર્ષ 2019ના વર્ષમાં સમર ગ્રુપ નામનું ગ્રુપ બનાવી તેમાં સમગ્ર ગુજરાતમાં એજન્ટો મૂકી તેમની પાસે તેમજ એજન્ટ મારફતે રોકાણકારો પાસે રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપી હતી.
2.94 કરોડ જેટલી રકમની કરી છેતરપિંડી
ટુ બ્રધર્સ મ્યુચ્યુઅલ નિધિ લિમિટેડ નામની કંપની ખોલવાની છે, તેવી લોભામણી લાલચ આપી 147 જેટલા રોકાણકારોને વિશ્વાસમાં લઈ કુલ 2,94,11,800 જેટલી રકમની છેતરપિંડી કરીને પૈસા પરત ન કરતા રોકાણકારો દ્વારા ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે. આ સમગ્ર છેતરપિંડીની શરૂઆત વર્ષ 2019થી કરવામાં આવી હતી અને વર્ષ 2021 સુધી સૌથી વધુ રોકાણ કરાવ્યું હતું.
પોલીસે મુખ્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી
હાલ તો ચીખલી પોલીસે આ સમર ગ્રુપમાં ડિરેક્ટર એવા ચૈતાલી સાગર રાઠોડ અને તેનો ભાઈ જે ચીખલી પોલીસમાં હોમગર્ડ તરીકે ફરજ બજાવે છે, તે મિરલ પટેલ તેમજ સમર ગ્રુપમાં નોકરી કરતા નવસારીના એક કર્મચારી અનિલ રાઠોડની ચીખલી પોલીસે ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી સાગર રાઠોડ અને તેનો ભાઈ વિશાલ રાઠોડની પોલીસે શોધખોળ શરૂ કરી છે.