6 દિવસ પેહલા
- કૉપી લિંક
દેવદત્ત પટનાયક
ગુ સપ્તર્ષિઓમાંના એક છે. આજકાલ ભૃગુ ઋષિ એ માટે પણ પ્રખ્યાત છે કે એમણે લખેલ સંસ્કૃત ગ્રંથ ‘ભૃગુસંહિતા’નો ભવિષ્યવાણી કરવામાં ઉપયોગ થઇ રહ્યો છે. એવી માન્યતા છે કે તાડની છાલો પર લખાયેલ આ ગ્રંથ જે સૌપ્રથમ ભૃગુએ લખાણ કર્યું હતું, તેમાં સમગ્ર માનવજાતનું ભવિષ્ય છે. આ ગ્રંથ માત્ર કેટલાક પરિવારો પાસે જ હોય છે, જેઓ તેનો અર્થ પણ સમજે છે. પોતાનું ભવિષ્ય જાણવા ઇચ્છુક લોકો આ પરિવારોને તેમના માટે લાગુ પડતા તાડની છાલના પાનાં શોધવા માટે કહે છે. નસીબ ચમકાવવા અને દુર્ભાગ્યથી દૂર રહેવા માટે ભવિષ્ય જાણવું જરૂરી છે. તેથી જ ભૃગુને ભાગ્યના દેવતા અને લક્ષ્મી (ભાગ્યની દેવી)ને તેમની પુત્રી એટલે કે ભાર્ગવી કહેવાય છે. ભવિષ્યવક્તા ભૃગુ સન્માનીય ઋષિ છે, એ તો આપણે જાણીએ છીએ, પણ તેમના વિશે વિગતવાર જાણકારી મેળવીએ. હિંદુ ગ્રંથોમાં ભૃગુનો અનેક સંદર્ભમાં સતત ઉલ્લેખ થયો છે. કહેવાય છે કે તેઓ જ અગ્નિને દેવતાઓ પાસેથી માનવો પાસે લાવ્યા હતા. એક વાર એક રાક્ષસે તેમનાં પત્ની પુલોમાનું અપહરણ કર્યું. અપહરણ થયું ત્યારે તેમનો પુત્ર ચ્યવન પુલોમના ગર્ભમાંથી બહાર પડી ગયો. આ શિશુના પ્રભાવથી રાક્ષસનું મૃત્યુ થયું. અગ્નિદેવ પુલોમાના રક્ષણ માટે જવાબદાર હતા, જેથી ભૃગુએ અપહરણ માટે તેમને દોષી ઠેરવ્યા. ભૃગુએ તેમને શાપ આપ્યો કે અગ્નિદેવ બધું બાળીને નષ્ટ કરી દેશે. ચ્યવન અને તેમનાં પત્ની આરુષિનો પૌત્ર ઔરવ હતો. તેમની ઝૂંપડી પર ક્ષત્રિયોએ હુમલો કર્યો ત્યારે ઔરવ તેની માતાના ગર્ભમાંથી લપસીને પડી ગયો હતો. એ પણ ક્ષત્રિયોનો નાશ કરી શકતો હતો, પણ ભૃગુએ એને એમ કરતાં અટકાવ્યો. આથી ઔરવે પોતાના ક્રોધને ઘોડાનું રૂપ આપ્યું. મોંમાંથી આગ ઓકતો આ ઘોડો દરિયામાં જઇ પડ્યો. આ ઘોડાના પરસેવાથી સમુદ્રનું પાણી ખારું થઇ ગયું અને દરિયા ઉપર ધુમ્મસ છવાઇ ગયું. પોતાની પત્ની ખ્યાતિ સાથે ભૃગુને મૃકન્ડ નામનો પુત્ર જન્મ્યો. કહેવાય છે કે મૃકન્ડે કમળના છોડાના રેસામાંથી દુનિયાનું સૌપ્રથમ કાપડ વણ્યું હતું. તેથી એમને વણકર સમૂહના પિતા માનવામાં આવે છે. ભૃગુની અન્ય એક પત્નીનું નામ કાવ્યમાતા હતું અને તેમણે શુક્રાચાર્યને જન્મ આપ્યો. એક દિવસ રાક્ષસ કાવ્યમાતા પાછળ સંતાઇ ગયા. રાક્ષસોને પકડવા માટે વિષ્ણુએ કાવ્યમાતાનું માથું કાપી નાખ્યું. તે માટે શુક્રાચાર્યે વિષ્ણુને શાપ આપ્યો કે તેઓ પરશુરામ, રામ અને કૃષ્ણ રૂપે ત્રણ વાર મનુષ્ય બની જન્મ લેશે. ભૃગુથી ભાર્ગવ વંશ ઉત્પન્ન થયો, જેને ક્ષત્રિયો સાથે અનેક યુદ્ધો થયાં. ભાર્ગવ વંશના જ પરશુરામને ભાર્ગવ-રામ પણ કહેવામાં આવતા. એમણે ક્ષત્રિયોના અનેક કુળોનો નાશ કર્યો. રામને ધર્મની પુન:સ્થાપના કરતા જોયા પછી જ પરશુરામે પોતાનું આ કામ અટકાવ્યું. આમ, ભૃગુ વિષ્ણુ અને ધર્મને પૃથ્વી પર લાવવા સાથે સંકળાયેલા છે. ભૃગુ અંગે સૌથી પ્રખ્યાત કથા વિષ્ણુ સાથે જ જોડાયેલી છે. વિષ્ણુ વૈકુંઠમાં સૂતા હતા. તેથી ભૃગુએ તેમને જગાડવા માટે તેમની છાતીની જમણી તરફ લાત મારી. વિષ્ણુએ આંખ કોલતાંની સાથે જ ભૃગુની માફી માગી અને ભૃગુએ તેમને જણાવ્યું કે તેમણે અરાજકતાના સ્થાને ધર્મના વ્યાપ માટે પૃથ્વી પર અવતાર લેવો પડશે. જોકે લક્ષ્મી વિષ્ણુથી એ વાતે નારાજ હતાં કે વિષ્ણુએ ભૃગુએ એમના કરેલા અપમાનનો વિરોધ ન કર્યો. લક્ષ્મી પણ ધરતી પર આવ્યાં જેથી વિષ્ણુને ધરતી પર અવતાર લેવાનું વધુ એક કારણ મળી શકે. પૃથ્વી પર લક્ષ્મી કમળના ફૂલમાંથી પ્રગટ થયાં અને તેમનો ઉછેર ભૃગુના ઘરમાં થયો. આથી તેમને પદ્માવતી અને ભાર્ગવી પણ કહે છે. એમની સાથે લગ્ન કરવા માટે વિષ્ણુએ કુબેર પાસેથી ઘણું ઋણ (દેવું) લેવું પડ્યું. આ ઋણની ચૂકવણી માટે વિષ્ણુ પૃથ્વી પર જ ફસાયેલા રહેશે. તેથી જ તિરુપતિ બાલાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ વિષ્ણુનું ઋણ ચૂકવવા માટે તેમને ધન ચડાવે છે. જોકે પોતાના ભક્તો પાસેથી ધન મેળવીને વિષ્ણુ તેમના ઋણી બને છે અને તેમણે એમની ઇચ્છાઓ પૂરી કરવી પડે છે. આ કથાઓ પરથી ખ્યાલ આવે છે કે કઇ રીતે ભૃગુ ઋષિ નસીબ સાથે જોડાયેલા છે અને તેથી તેમને ભાગ્યપિતા કહે છે.