6 દિવસ પેહલા
- કૉપી લિંક
ડો. પૃથુલ મહેતા
રીર અને મન પર રંગોની અસરો વિશે ઘણા વૈજ્ઞાનિક સંશોધનો થયા છે. આ અભ્યાસને ‘રંગ મનોવિજ્ઞાન’ અથવા ‘ક્રોમોથેરાપી’ કહેવામાં આવે છે. ‘કલર રિસર્ચ એન્ડ એપ્લિકેશન્સ’ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ પ્રમાણે, વિવિધ રંગો વ્યક્તિના મિજાજ અને ભાવનાઓ પર અસર કરે છે. માનવ-જીવન પર રંગોનો અવશ્ય પ્રભાવ પડે છે. રંગ વ્યક્તિના આભામંડળ અને માનસિક સ્થિતિને પ્રભાવિત કરે છે. મંગળ ગ્રહ સાથે લાલ રંગનો સંબંધ છે. લાલ રંગના સંપર્કમાં આવવાથી હૃદયના ધબકારા અને એડ્રિનલિનના કાર્યમાં ફેરફાર થઈ શકે છે. માત્ર ચાર ગ્રામ વજન ધરાવતી એડ્રિનલ ગ્રંથિ આપણા શરીરની ઘણીબધી મહત્ત્વની ક્રિયા-પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે. ભારત-પાકિસ્તાનની ફાઈનલ મેચ હોય અને અંતિમ ઓવર બાકી હોય, ઇન્ડિયા જીતશે કે હારશે, હાર્દિક વિનિંગ શોટ મારશે કે નહીં, એવા વિચારો જ્યારે મનમાં સતત ચાલતાં હોય, ત્યારે જે ગ્રંથિ ઉત્તેજિત થાય તેનું નામ એડ્રિનલ ગ્રંથિ. જેનો સંબંધ લાલ રંગ સાથે છે. લાલ રંગનો વધારે ઉપયોગ ઉચ્ચ રક્તચાપનું કારણ પણ બની શકે છે. સફેદ રંગની અસર વિશે પણ રસપ્રદ સંશોધન છે. સફેદ રંગ શુદ્ધતા અને તટસ્થતાની ભાવના આપનારો છે. બેસણામાં સફેદ રંગના ઉપયોગ પાછળ પણ તર્ક છે. પરિવારમાં માતમ હોય એટલે કલ્પાંત ચરમ સીમા પર હોય છે. સફેદ રંગમાં સૌમ્યતા અને શીતળતા હોવાથી આગંતુકો જ્યારે સફેદ વસ્ત્રો ધારણ કરીને આવે, ત્યારે વાતાવરણમાં સૌમ્ય ઊર્જાનું આભામંડળ ઊભું થાય જે દવાનું કામ કરે. માનસિક શાંતિની ઊર્જા આ રંગમાં છે. કેટલાક સંશોધનો દાવો કરે છે કે વધુ પડતો સફેદ રંગ વંધ્યત્વને જન્મ આપી શકે છે. કદાચ તેથી જ માયા અને વાસના છોડીને આત્મિક યાત્રા માટે સફેદ રંગને અતિ શુભ ગણ્યો છે. જે વ્યક્તિઓની કુંડળીમાં ચંદ્ર નિર્બળ કે પાપ પીડિત હોય, તો ધ્યાન કેન્દ્રમાં સફેદ વસ્ત્રનું દાન અવશ્ય કરવું જોઈએ. કાળા રંગની વાત કરીએ, તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કાળા રંગનો સંબંધ શનિ ગ્રહ સાથે છે. પહેલાંના જમાનામાં કાળા રંગનો ઉપયોગ લગભગ નહીંવત્ હતો. આજે આ રંગનો ઉપયોગ વધી રહ્યો છે. કાળો રંગ નવી પેઢીની પસંદગી છે. હવે તો વિવાહ/રીસેપ્શન જેવા માંગલિક પ્રસંગોમાં પણ કાળાં વસ્ત્રો ધારણ કરેલાં લોકો નજરે પડે છે. જોકે અનેક લોકોના મનમાં પ્રશ્નો હોય છે કે નિયમિત રીતે કાળા રંગનો ઉપયોગ કરી શકાય? શનિવારે કાળાં વસ્ત્રો ધારણ કરવાં જરૂરી છે? શનિવારે કાળી વસ્તુઓનું દાન કરવાથી શનિદેવની કૃપા થાય ખરી? કાળો રંગ શક્તિશાળી ઊર્જા ઉત્પન્ન કરે છે. સંશોધન પ્રમાણે કાળો રંગ વ્યક્તિને સુસંસ્કૃત, શિસ્તબદ્ધ અને વ્યાવહારિક બનાવી શકે છે. આ રંગ ભવ્યતા અને રહસ્યમય ભાવના જાગૃત કરનારો છે. જોકે કાળા રંગનો વધારે પડતો ઉપયોગ વ્યક્તિમાં ભય ઊભો કરે છે. આમ, પહેલી બાબત કે પ્રસંગોપાત કાળાં વસ્ત્રો લાભકારી ગણાય, પણ નિયમિત ઉપયોગ નુકસાનકારક છે. જ્યોતિષશાસ્ત્રના સંદર્ભે વિચારીએ તો, અમુક જન્મલગ્ન અને જન્મ રાશિઓ ધરાવતા મિત્રો માટે કાળો રંગ અશુભ ઊર્જા પ્રદાન કરનારો છે. આવી વ્યક્તિઓ કાળાં વસ્ત્રોનું દાન કરે તે વધારે સલાહભરેલું છે. બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ માટે કાળો રંગ શુભ નથી. કર્ક, સિંહ અને ધન – આ ત્રણ જન્મલગ્ન અને રાશિ ધરાવતાં વ્યક્તિઓ માટે કાળાં વસ્ત્રો ધારણ કરવાં કરતાં કાળાં વસ્ત્રનું દાન વધારે ઉત્તમ છે. ધ્યાન રહે કે જન્મલગ્ન ચકાસવું પણ જરૂરી છે. નિયમિત વાચકમિત્રો રાશિ અને જન્મલગ્ન વચ્ચેનો ભેદ હવે સમજી ગયા હશે. ‘દાન ચંદ્રિકા’ ગ્રંથ પ્રમાણે, શનિના પરિહાર માટે કાળાં વસ્ત્રનું દાન શ્રેષ્ઠ ગણ્યું છે. કોઈ પણ રાશિવાળા દાન કરી શકે છે. વિશેષ કરીને શનિ અમાવસ્યાના દિવસે કાળાં વસ્ત્રો, ખાદ્યતેલ અને લોખંડનાં વાસણો દાનમાં આપી શકાય. બીજી એક મિથ્યા ભ્રાંતિ પ્રવર્તી રહી છે. કેટલાક લોકોનો મત છે કે કુંડળીમાં શનિ બળવાન હોય, તો કાળાં વસ્ત્રો જે શનિના આધિપત્યમાં છે, તેનું દાન કરવાથી કુંડળીમાં રહેલ બળવાન શનિ નિર્બળ બની જાય – આ ખોટી માન્યતા છે. કોઈને મદદ કરવાથી કદી ગ્રહ નિર્બળ બની શકે ખરો! ધર્મશાસ્ત્ર કહે છે કે हुतं च दत्तं तथैव तिष्ठति અર્થાત્ હવનમાં હોમેલું દ્રવ્ય અને દાનમાં આપેલી સામગ્રીનું ફળ ચિરકાળ સુધી રહે છે. દાન ભલે વસ્ત્રનું હોય, અન્નનું હોય કે વિદ્યાદાન હોય! હંમેશાં કલ્યાણકારી બની રહે છે. જોકે अपात्रे दानं न दातव्यम्। ભાવાર્થ કે યોગ્ય અને જરૂરિયાતમંદ વ્યક્તિ કે પરિવારને જ દાન આપવું જોઈએ. વ્યક્તિ કદાચ મંદિર ન જઈ શકે કે નિયમિત દાન કરવા સક્ષમ નથી તો ચિંતા નથી. માત્ર શુભ કર્મો કરવાથી શનિ પ્રસન્ન થઈ જશે, કારણ કે શનિ ન્યાય અને કર્મના દેવતા છે. જે વ્યક્તિ કર્મનિષ્ઠ બનીને મહેનત અને પ્રમાણિકતા સાથે આગળ વધે છે, તેના પર શનિની કૃપાદૃષ્ટિ હંમેશાં રહે છે.
કાળા રંગની વાત કરીએ, તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કાળા રંગનો સંબંધ શનિ ગ્રહ સાથે છે. પહેલાંના જમાનામાં કાળા રંગનો ઉપયોગ લગભગ નહીંવત્ હતો. આજે આ રંગનો ઉપયોગ વધી રહ્યો છે. કાળો રંગ નવી પેઢીની પસંદગી છે. હવે તો વિવાહ/રીસેપ્શન જેવા માંગલિક પ્રસંગોમાં પણ કાળાં વસ્ત્રો ધારણ કરેલાં લોકો નજરે પડે છે.