21 દિવસ પેહલા
- કૉપી લિંક
ન્યૂ જર્સીના પેરામસ ખાતે ઈસ્ટ રીજવૂડ એવન્યુ ખાતેના ઘરમાં રીટાબેન આચાર્યની હત્યા કરાઈ હતી.
અમેરિકામાં ન્યૂ જર્સી શહેરના ઉપનગર પેરામાસમાં એક ગુજરાતી યુવાને ગુજરાતનાં જ મૂળ રહેવાસી મહિલા મકાનમાલિકની છરી મારીને હત્યા કરી લૂંટ ચલાવી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. મૂળ વડોદરાનાં રીટાબેન આચાર્યના પેરામાસ ખાતેના મકાનમાં ગાંધીનગરનો યુવક કિશન શેઠ ભાડેથી રહેતો હતો.
હત્યારો કિશન શેઠ.
મૃતક મહિલાની હત્યા બાદ તેનું વાહન, ડેબિટ કાર્ડ ચોરી લીધાં ગાંધીનગરના યુવક કિશન શેઠે રીટાબેન આચાર્યની હત્યા કર્યા બાદ તેમનું ડેબિટ કાર્ડ અને વાહન ચોરી લીધાં હતાં. ડેબિટ કાર્ડ દ્વારા કિશન શેઠે 4500 ડોલર ઉપાડી લીધા હતા. એના પછી તે ભાગવાની ફિરાકમાં હતો ત્યારે જ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આ ઘટનાથી અમેરિકાના ગુજરાતી પરિવારોમાં ખળભળાટ મચ્યો છે. રીટાબેન આચાર્યના મોતથી વડોદરા, રાજકોટ અને મુંબઈમાં રહેતાં તેમનાં પરિવારજનોમાં શોક ફેલાયો છે.
ઇનસેટ તસવીર મૃતક રીટાબેન આચાર્યની છે, જેમની કિશન શેઠે હત્યા કરી હતી.
હત્યારો કિશન શેઠ અગાઉ પણ ચોરી કરતાં પકડાયો હતો રીટાબેન આચાર્યના ઘરમાં કિશન શેઠ લગભગ દોઢ વર્ષ અગાઉ ભાડે રહેવા માટે આવ્યો હતો. એ સમયે તેણે રીટાબેનના ઘરમાં ચોરી કરી હતી. એ વાતની ખબર પડતાં રીટાબેને કિશન શેઠને કાઢી મૂક્યો હોવાનું રીટાબેન આચાર્યના ભત્રીજા હર્ષ દવેએ જણાવ્યું હતું.
પોલીસને રીટાબેન આચાર્ય ઘરમાંથી મૃત હાલતમાં મળ્યાં હતાં.
74 વર્ષીય રીટાબેન ઘરમાં પલંગ પર મૃત હાલતમાં પડ્યાં હતાં વાસ્તવમાં પોલીસ વેલ્ફેર ચેક માટે જ્યારે રીટાબેનના ઘરે પહોંચી ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. પોલીસે ઘરમાંથી કોઈ રિસ્પોન્સ ન મળતાં ઘરમાં પ્રવેશી તપાસ કરી હતી. એ સમયે રીટાબેન આચાર્ય તેમના પલંગ પર લોહીલુહાણ હાલતમાં મૃત અવસ્થામાં મળ્યાં હતાં. સીસીટીવી કેમેરા અને ઘરમાંથી મળેલા કેટલાક પુરાવાના આધારે પોલીસે કિશન શેઠને ઝડપી લીધો હતો.
કિશન શેઠ ન્યૂ જર્સી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીનો વિદ્યાર્થી છે.
ન્યૂ જર્સી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીનો વિદ્યાર્થી છે કિશન શેઠ હત્યારો કિશન શેઠ ન્યૂ જર્સી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીનો વિદ્યાર્થી છે. આ ઘટનાની જાણ થયા બાદ ન્યૂ જર્સી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમે તાજેતરમાં કિશન શેઠને સંડોવતી ખૂબ જ ગંભીર પરિસ્થિતિ વિશે જાણ્યું. તેની ધરપકડ કરવામાં આવી છે અને બર્ગન કાઉન્ટી, એનજેમાં કેમ્પસની બહાર બહુવિધ ગુનાઓ અંગે આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં હત્યાનો પણ સમાવેશ થાય છે. કિશન શેઠને આથી વચગાળાના સસ્પેન્શન પર મૂકવામાં આવ્યો છે.”