Last Updated:
ગીર એ એશિયાઈ સિંહનું એકમાત્ર નિવાસસ્થાન છે, જ્યાં સિંહોની વસ્તી વધતી જાય છે. સ્થાનિક સમુદાય અને વન વિભાગના પ્રયત્નોથી આ સંરક્ષણ સફળ બન્યું છે. ત્યારે ખેડૂતોને પણ ખેતરોમાં ઈલેક્ટ્રિક શોક ન મૂકવા અને ખુલ્લા કૂવા સુરક્ષિત કરવાની અપીલ કરવામાં આવે છે.
જૂનાગઢ: ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું ગીર જંગલ એશિયાઈ સિંહોનું વિશ્વમાં એકમાત્ર કુદરતી નિવાસ સ્થળ છે. આ જંગલ માત્ર ભારતનું જ નહીં પરંતુ સમગ્ર એશિયાનું ગૌરવ છે. સૌરાષ્ટ્રના 20,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મુક્તપણે પરિભ્રમણ કરતા આ સિંહોના સંરક્ષણમાં વન વિભાગની સાથે સાથે સ્થાનિક લોકોનો પણ અમૂલ્ય ફાળો રહ્યો છે.
સ્થાનિક લોકોના સહકારને કારણે આજે ગીર સંરક્ષિત વિસ્તાર એક અદભુત સફળગાથા બની છે. એક સમયે વિલુપ્તિના આરે પહોંચેલી આ પ્રજાતિ આજે ફરી એકવાર નિરંતર વધતી સંખ્યા સાથે જોખમની બહાર આવી ગઈ છે. આ અવિરત પ્રયાસનો લાભ લઈને સિંહો હવે એવા વિસ્તારોમાં પણ પોતાની વસાહતો પુનઃસ્થાપિત કરી રહ્યા છે, જ્યાંથી તેઓ અગાઉ નામશેષ થઈ ગયા હતા.
સિંહ સંરક્ષણ અને જનસહભાગિતા
એશિયાઈ સિંહોની અત્યાર સુધીની જીવન સફર ખરેખર ખૂબ જ કપરી રહી છે, પરંતુ આ “જંગલના રાજા”એ કપરા સમયમાંથી ઉભરીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. ગીર જંગલ માત્ર પારસ્પરિક મહત્વ નથી ધરાવતું, પરંતુ તે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને નૈતિક મૂલ્યોની દ્રષ્ટિએ પણ ગુજરાતના લોકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે.

આ વિશેષ વારસાનું જતન કરવું એ માત્ર વન વિભાગના સ્ટાફની જ નહીં પરંતુ ગુજરાતની સમગ્ર જનતાની પણ નૈતિક ફરજ છે. વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવા જરૂરી છે.
ખેડૂતોને અપીલ
વન્યપ્રાણી અવરજવર વાળા વિસ્તારોમાં ખેડૂતોને પાક રક્ષણ માટે ઈલેક્ટ્રીક શોક ન મૂકવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે. ઈલેક્ટ્રીક શોકના કારણે વન્ય પ્રાણીઓની સાથે સાથે ઘણી વખત પાલતુ પશુઓ તેમજ માનવીઓનો પણ ભોગ લેવાય છે. આથી, ખેતર ફરતે ઈલેક્ટ્રીક શોક મૂકવાનું ટાળવું જોઈએ.
ઉપરાંત, વન્યપ્રાણી પરિભ્રમણ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે જોખમરૂપ ખુલ્લા કુવાઓને સુરક્ષિત કરવા જોઈએ. આ માટે ગુજરાત સરકારની યોજના અંતર્ગત ખુલ્લા કુવા પર પારાપેટ બાંધવા માટે 90% સબસીડી આપવામાં આવે છે, જેનો લાભ લેવા માટે સૌને અપીલ કરવામાં આવે છે.

શિકાર વિરોધી અભિયાનમાં જોડાઓ
રેવન્યુ વિસ્તારમાં કેટલાક પરપ્રાંતીય લોકો રહેતા હોય છે, જેઓ મૂળ શિકારી પ્રવૃત્તિથી ટેવાયેલા હોય છે. આવી કોઈ શંકાસ્પદ કે શિકારી પ્રવૃત્તિઓ ધ્યાને આવે તો તાત્કાલિક નજીકની વન વિભાગની કચેરી અથવા ટોલ ફ્રી નંબર 1800 233 0789 અથવા 1926 પર સંપર્ક કરવા ગીર પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે.
Junagadh,Gujarat
March 12, 2025 2:02 PM IST
[ad_1]
Source link


