GMERS સંચાલિત ગોત્રી હોસ્પિટલ સંકુલમાં આવેલી કેન્ટીનમાં સ્વચ્છતાનો અભાવ હોવાની ઉઠેલી વ્યાપક ફરિયાદોના પગલે તંત્ર દ્વારા તપાસ કરીને કેન્ટીન સંચાલકને નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત કર્મચારીઓ પાસે તાત્કાલીક કેન્ટીનની સફાઈ કરવામાં આવી હતી.
કેન્ટીનના રસોડામાં સામાન ખુલ્લો પડી રહેલો જોવા મળ્યો
જીએમઈઆરએસ સંચાલિત ગોત્રી હોસ્પિટલ સંકુલમાં પાર્કિંગ પાસે દર્દીઓના સબંધીઓને ચા નાસ્તા સહિતની સુવિધા મળી રહે તે માટે કેન્ટીન કાર્યરત છે. આ કેન્ટીનો કોન્ટ્રાક્ટ રાજ કેટરર્સ પાસે છે. 24 કલાક આ કેન્ટીન ખુલ્લી રહે છે. દર્દીઓના સબંધીઓને કિફાયતી ભાવે ચા નાસ્તા સહિતની સુવિધા પુરી પાડવામાં આવે છે. આ કેન્ટીનમાં સ્વચ્છતાનો અભાવ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. કેન્ટીનના રસોડામાં સામાન ખુલ્લો તેમજ અસ્તવ્યસ્ત અને ગંદકી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.
કોન્ટ્રાકટર વિજયને નોટીસ ફટકારવામાં આવી
હોસ્પિટલ સંકુલમાં આવેલી આ કેન્ટીન માટે સામાજીક કાર્યકર કમલેશ પરમારે સત્તાવાળાો સમક્ષ ફરિયાદ કરી હતી. જેના પગલે જીએમઈઆરએસના ડીન ડો. વિશાલા પંડયાએ આ અંગેની તપાસ ડૉ. હિતેશ રાઠોડને સોંપી હતી. જેમાં ચોખ્ખાઈનો અભાવ જોવા મળ્યો હતો. જેના પગલે કેન્ટીનના કોન્ટ્રાકટર વિજયને કેન્ટીનમાં ચોખ્ખાઇ નહી જાળવવા બદલ નોટીસ આપવામાં આવી હતી. જ્યારે કેન્ટીનમાં તાત્કાલીક કર્મચારીઓ દ્વારા સફાઈ કરાવવામાં આવી હતી. કેન્ટીન અને તેની આસપાસના વિસ્તારમાં કરાવી હતી. કેન્ટીન કોન્ટ્રાક્ટરને કેન્ટીનની સ્વચ્છતામાં હવે પછી ક્ષતિ દેખાશે તો આકરા પગલાં લેવાની ચીમકી પણ સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.