– આણંદ જિલ્લામાં 70,452 હેક્ટરમાં રવી પાકનું વાવેતર
– યુરિયાની અછતના કારણે ખેડૂતો સેવા સહકારી મંડળીઓ અને કૃષિ સેવા કેન્દ્રો ઉપર લાઈનો લગાવવા મજબૂર : વણાંકબોરી ડેમમાંથી 1,850 ક્યૂસેક પાણી છોડાયું
આણંદ : આણંદ જિલ્લામાં હાલ શિયાળું પાકનું વાવેતર પૂર્ણ થવાના આરે છે. જિલ્લામાં અત્યારસુધીમાં ૭૦,૪૫૨ હેક્ટરમાં રવી પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રવી પાક માટે વણાંકબોરી ડેમમાંથી ૧,૮૫૦ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમજ ૭ હજાર મેટ્રિક ટન યુરિયાની જરૂરિયાત સામે ૨,૫૦૦ મેટ્રિક ટન યુરિયાની ફાળવણી કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે.
આણંદ ખેતીવાડી વિભાગમાંથી મળતી માહિતી મુજબ, અત્યારસુધીમાં જિલ્લામાં ૩,૦૯૩ હેક્ટરમાં ઘઉં, ૧,૦૨૦ હેક્ટરમાં ચણા, ૪૫,૭૫૪માં તમાકુ, ૧૧,૩૧૨માં શાકભાજી, ૮૦૭૬માં ઘાસચારો, ૨૯૨માં ચિકોરી, ૪૬૫માં શક્કરિયા અને ૧૯૮માં રાજગરો સહિત કુલ ૭૦,૪૫૨ હેક્ટરમાં રવી પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
આણંદ જિલ્લામાં રવી પાકમાં મુખ્યત્વે તમાકુનું વધુ વાવેતર થતું હોય છે.
તેમજ ઠંડી વધતા બટાકાનું પણ વાવેતર શરૂ થયું છે. તેવામાં વણાંકબોરી ડેમમાંથી જિલ્લામાં રવી પાક માટે માત્ર ૧,૮૫૦ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.
પરિણામે જિલ્લાના છેવાડાના ગામડાઓ અને ઉંચા વિસ્તારોના ગામડાઓમાં સિંચાઈ માટે પાણી પહોંચશે કે કેમ તે અંગે ખેડૂતોમાં ચિંતા ફરી વળી છે. ઉપરાંત સામાન્ય રીતે દરવર્ષે રવી સિઝન માટે જિલ્લામાં સાત હજાર મેટ્રિક ટન યુરિયાની જરૂરિયાત ઉભી થતી હોય છે.
તેની સામે ચાલુ વર્ષે સરકાર દ્વારા જિલ્લામાં માત્ર ૨,૫૦૦ મેટ્રિક ટન યુરિયાની ફાળવણી કરી છે.
પરિણામે બાકીના ૪,૫૦૦ મેટ્રિક ટન જેટલું યુરિયા ખેડૂતોને ખાનગી ફર્ટિલાઈઝર કંપની પાસેથી ખરીદવાની નોબત આવશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. ત્યારે યુરિયાની અછતના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
ખેડૂતો સેવા સહકારી મંડળીઓ અને પ્રધાનમંત્રી કૃષિ સેવા કેન્દ્રો ઉપર લાઈનો લગાવી રહ્યા છે.
લિક્વિડ યુરિયા ખરીદવા ફરજ પડાતી હોવાના ખેડૂતોના આક્ષેપ
આણંદ જિલ્લાના ખેડૂતોએ જણાવ્યું હતું કે, યુરિયાની થેલી રૂ.૨૭૦ના ભાવે મળી છે પરંતુ યુરિયાની ખરીદી કરવા જઈએ ત્યારે ફર્ટિલાઈઝર ડેપો તથા માર્કેટિંગ યાર્ડ દ્વારા ૫૦૦ ગ્રામ યુરિયાની બોટલ રૂ.૨૭૫માં લેવાની ફરજ પાડે છે. તેમજ લિક્વિડ યુરિયા ન લઈએ તો યુરિયા ખાતર આપવાની ના પાડતા હોવાથી ફરજિયાત લેવું પડે છે. લિક્વિડ યુરિયાને પંપ દ્વારા ખેતરમાં છાંટવુ પડતું હોવાથી મજૂર રાખવો પડે છે, જેથી ખર્ચો વધી જાય છે.