Anand Youth Caught With Bogus Visa: મુંબઈની સહાર પોલીસે બનાવટી વિઝાનો ઉપયોગ કરીને ન્યૂઝીલેન્ડ જવાનો પ્રયાસ કરી રહેલા ગુજરાતના વલ્લભ વિદ્યાનગરના રહીશ સિવિલ એન્જિનિયર સાગર શાહની ધરપકડ કરી હતી. વિદ્યાનગરની જ એજન્ટ પ્રિયા પટેલે સાગરને 50 હજાર રુપિયા લઈ વિઝા પેપર્સ આપ્યાં હતાં.
હોંગકોંગથી ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેનો બોર્ડિંગ પાસ નહતો
આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર ખાતે નાના બજારમાં આવેલાં પદ્માવતી કોમ્પલેક્સમાં રહેતો 29 વર્ષનો સાગર શાહ ન્યૂઝીલેન્ડ જવા માટે મુંબઈ એરપોર્ટ આવ્યો હતો. તે હોંગકોંગ થઈને જતી ફલાઈટ પકડવા આવ્યો હતો. જો કે, ઈમિગ્રેશન તપાસ દરમિયાન એરપોર્ટ સત્તાવાળાઓને જાણવા મળ્યું હતું કે, સાગર પાસે હોંગકોંગથી ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેનો બોર્ડિંગ પાસ નહતો. આ બાદ પૂછપરછ સમયે સાગરે દાવો કર્યો હતો કે, ‘અમદાવાદથી મુંબઈની ફલાઈટ દરમિયાન અમદાવાદની એરલાઈને તેને અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી હોંગકોંગ આ બંનેને આવરી લેતા બોર્ડિંગ પાસ ઈશ્યુ કર્યા હતા.’
સાગર પાસે વિઝા બનાવટી હતા
વધુમાં તેમણે કહ્યું હતું કે, ‘હોંગકોગથી ન્યૂઝીલેન્ડ માટેના બોર્ડિંગ પાસ મુંબઈ એરપોર્ટ પરથી કેથે પેસેફિક એરલાઈન પાસેથી એકત્રિત કરવાની સૂચના આપવામાં આવી હતી.’ સાગરના આ દાવા અંગે શંકા જતા ઈમિગ્રેશન અધિકારીઓએ તેના ન્યૂઝીલેન્ડના વિઝાની ઝીણવટભરી તપાસ કરી હતી. જેમાં ઈમિગ્રેશન અધિકારીઓને આ વિઝામાં કંઈક ચેડાં કરવામાં આવ્યા હોવાનું જણાયું હતં. આ બાદ વધુ તપાસ માટે ઈમિગ્રેશન અધિકારીઓએ કેથે પેસેફિક એરલાઈન્સનો સંપર્ક કર્યો હતો અને સાગરે જણાવેલ દાવા અંગે પૂછપરછ કરી હતી. જેમાં કેથે પેસેફિકે ન્યૂઝીલેન્ડના સંચાલન કરતી એરલાઈન્સને સંપર્ક કરીને આ અંગે પૂછપરછ કરતા સાગર પાસે રહેલા વિઝા બનાવટી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
એજન્ટને 50 હજાર રૂપિયા ચૂકવ્યા
આબાદ ઈમિગ્રેશન સત્તાવાળાઓ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવતા સાગરે ગુનો કબૂલ્યો હતો અને 2018માં તેમણે વિદ્યાર્થી વિઝા મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કેનેડિયન સત્તાવાળાઓએ સાગરનો વિદ્યાર્થી વિઝા રદ કર્યો હતો. તેથી હવે તે ન્યૂઝીલેન્ડમાં જઈને વસવાટ કરવા માંગતો હતો. તેથી સાગરે વિદ્યાનગર, આણંદમાં એજન્ટ પ્રિયા પટેલને સંપર્ક કર્યો હતો અને આ કામ માટે એજન્ટ પ્રિયાને 50 હજાર રૂપિયા ચૂકવ્યા હતા.
વિઝા પાસપોર્ટ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ
પ્રિયાએ સાગરને ન્યૂઝીલેન્ડના વિઝિટર વિઝાને લગતાં પેપર્સ આપ્યા હતા. આ વિઝા પેપરના આધારે સાગરે હોંગકોંગથી ન્યૂઝીલેન્ડ જવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા જ ઈમિગ્રેશન અધિકારીઓએ તરત જ સહાર પોલીસનો સંપર્ક કર્યો હતો અને સાગરને સહાર પોલીસના કબજે કર્યો હતો. સહાર પોલીસે આ મામલે સાગર સામે ભારતીય ન્યાય સંહિતા અને વિઝા પાસપોર્ટ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.