– ત્રાપજ નજીક બંધ ડમ્પર સાથે બસના અકસ્માતમાં નવો ઘટસ્ફોટ થયો
– ખાણ ખનીજ વિભાગે ડમ્પર સીઝ કરી અલંગ પોલીસને સોંપ્યું, ડમ્પર માલિકનું નિવેદન નોંધાયું, હવે દંડનિય કાર્યવાહી થશે
ભાવનગર : ભાવનગર-સોમનાથ હાઈવે પર ગત પરોઢિયાના સમયે રેતી ભરેલા બંધ ડમ્પર પાછળ લકઝરી સ્લીપર બસ ઘૂસી જતાં ગોઝારી અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં બાળકો સહિત છ વ્યક્તિના કમકમાટીભર્યા મોત અને ૧૬ લોકોને ઈજા થઈ હતી. આ ઘટના બાદ પોલીસે ડમ્પરના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. જેના આધારે ભાવનગર ખાણ ખનીજ વિભાગની ટીમે છ-છ મહામૂલી જિંદગીના મોતનું કારણ બનેલા ડમ્પરને સીઝ કરી અલંગ પોલીસમાં મુકી દઈ વાહનમાલિકનું નિવેદન નોંધ્યું હતું.
ખાણ ખનીજ વિભાગના સૂત્રો પાસેથી ઉપલબ્ધ વિગત અનુસાર ભાવનગર-સોમનાથ હાઈવે પર ત્રાપજ ગામ નજીક સતીઆઈ માતાજીના મંદિર પાસે ગત મંગળવારે વહેલી સવારે રેતી ભરેલા ડમ્પર નં.જીજે.૨૭.ટીડી.૭૯૨૧ની પાછળ બસ ઘૂસી જતાં છ લોકોના મોત થયા હતા. આ ડમ્પરમાં ગેરકાયદે રેતીનું વહન થતું હોવાની પોલીસની પ્રાથમિક વિગતોના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે દોડી જઈ તપાસ કરતા તેમાં રેતી ચોરી કરીને લઈ જવાઈ રહી હતી અને ડમ્પર બંધ પડતા ચાલકે રસ્તા પર જ વાહન મુકી દીધું હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે ખાણ ખનીજ વિભાગે ઉપરોક્ત નંબરવાળા ડમ્પરને સીઝ કરી અલંગ પોલીસની કસ્ટડીમાં રાખ્યું છે. આ ઉપરાંત હાથબ ગામે રહેતા ડમ્પરના માલિકના નિવેદન લીધા હતા. જેમાં તેણે ડમ્પરમાં આશરે ૩૦થી ૪૦ ટન જેટલી રેતી હોવાની કેફિયત આપી હતી. હવે આગામી દિવસોમાં ડમ્પરના માલિક સામે દંડનિય કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
ભાવનગર ખાણ ખનીજની ટીમે બે વાહન સીઝ કર્યા
ભાવનગર જિલ્લામાં ખનીજ ચોરીને ડામવા માટે ખાણ ખનીજ વિભાગની ટીમ સતત પેટ્રોલીંગ અને વોચ રાખી રહી છે. છેલ્લા બે દિવસમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સહિતની ટીમે ગ્રામ્ય વિસ્તારોમાં જઈ બે વાહનને સીઝ કર્યા છે. જેમાં ગઈકાલે તળાજા-મહુવા રોડ પર રોહિશા ટોલનાકા પાસેથી ગેરકાયદે રેતી ભરેલા એક વાહનને સીઝ કરી મહુવા ગ્રામ્ય પોલીસમાં મુકવામાં આવ્યું હતું. તેમજ સોમવારની શરૂ રાત્રિના સમયે પાલિતાણા ડેમ પાસેથી કાર્બો સેલ ભરેલી ગાડી પકડી પાડી, વાહનને સીઝ કરી પાલિતાણા પોલીસને સોંપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.