ભાવનગર શહેરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક મહિલા બુટલેગરને ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી લીધી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચિત્રા પાસે આવેલા ઓમ પાર્ટી પ્લોટ વિસ્તારમાંથી આ ધરપકડ કરવામાં આવી છે.
.
આરોપી મહિલાની ઓળખ કિરણ મેહુલ પરમાર (ઉંમર 28) તરીકે થઈ છે, જે આડોડિયાવાસ વિસ્તારમાં રહે છે. એલસીબીની ટીમે તેની પાસેથી બે થેલામાં ભરેલી ઈંગ્લિશ દારૂની 240 બોટલ જપ્ત કરી છે. આ દારૂની કિંમત રૂપિયા 28,800 આંકવામાં આવી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી મહિલા પોતાના ઘરેથી ગેરકાયદે દારૂનું વેચાણ કરતી હતી. તેની પાસેથી મળેલા દારૂ અંગે કોઈ કાયદેસરના પાસ પરમિટ મળ્યા ન હતા. પોલીસે આ મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
આ કાર્યવાહી દરમિયાન એલસીબીની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી. જેના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મહિલાને ઝડપી લેવામાં આવી હતી. હાલ પોલીસ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્કમાં કોણ-કોણ સામેલ છે તે દિશામાં તપાસ કરી રહી છે.