- કોડીનાર દુદાણા ગામે શીંગવડા નદીના કિનારે આવેલ છે મંદિર
- શીતળા માતાને ચર્મરોગ જેવાકે, ઓરી, અછબડા મટાડનાર દેવી તરીકે વર્ણવ્યા
- શીતળા માતાજીના પ્રાચીન મંદિરે ભાવિકોનો પ્રવાહ ઉમટયો
કોડીનારના દુદાણા ગામે આવેલા શીતળા માતાજીને ચૈત્ર માસમાં ખીચડી ધરવાની પ્રથા ચાલી આવે છે. તો શ્રાવણ માસ દરમ્યાન દરરોજ જુદા-જુદા નિવેદ ધરવામાં આવે છે. ચૈત્રી સુદ સાતમને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ખાસ બાજરાના લોટની કુલેર ધરવામાં આવે છે. તો માતાજીને ચૂંદડી, શણગાર અને બંગડી ધરવાની પણ અહીં પ્રથા છે.
શીતળા સાતમને લઈને દુદાણા ગામે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે
શીતળા માતાજીને આરોગ્યની દેવી તરીકે ઓળખવામાં આવે છે. શીતળા સાતમને લઈને દુદાણા ગામે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. તથા હિન્દૂ- મુસ્લિમ ભક્તોની અનેરી શ્રધ્ધા અને આસ્થાને કારણે અહીંની માનતા રાખનારની માનતા માતાજી પૂર્ણ કરે છે. ચૈત્રી સાતમને પણ શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. સામાજિક દ્રષ્ટિએ તહેવારોના મહિનામાં મહિલાઓને એકાદ દિવસ રસોડામાંથી મુક્તિ મળે તો હરવા-ફરવા જઈ શકાય અને મેળાનો આનંદ માણી શકે.
વ્રતોનું વૈજ્ઞાનિક મહત્વ ઋષિ મુનિઓ સુપેરે સમજતા
હિન્દુ શાસ્ત્ર વ્રતરાજમાં જણાવ્યા પ્રમાણે શીતળા માતાને ચર્મરોગ જેવાકે, ઓરી, અછબડા, શીળસ વગેરે મટાડનાર દેવી તરીકે વર્ણવ્યા છે. ચામડીના રોગોમાં શીતળતા આપતા દેવી એટલે શીતળામાતા. દુદાણાના શીતળા માતાને બાજરાનો શેકેલો લોટ અને ગોળની કુલેર તેમજ ચોખાનો લોટ અને ખાંડનાં મિશ્રણનાં લાડવા રૂપી પ્રસાદ ધરવામાં આવે છે. શીતળા માતાજીનું વાહન ગધેડો છે. અને પ્રિય ફળ બોર અને પ્રિય વૃક્ષ બોરડી છે. ભારતમાં ઉજવાતા તહેવારો, ઉત્સવો અને વ્રતોનું વૈજ્ઞાનિક મહત્વ ઋષિ મુનિઓ સુપેરે સમજતા હતા. તત્કાલીન સમયની પ્રજામાં શિક્ષણ ઓછું અને આરોગ્ય લક્ષી જ્ઞાન નહિવત હતું. આથી વિદ્વાન ઋષિઓએ સમય, દેશ-કાળ અને સ્થળ પ્રમાણે તહેવારોમાં ધાર્મિકતા જોડીને લોકોને સમજણ આપી હતી. શીતળા માતાનું સ્વરૂપ,પસંદગીનું ફળ, વાહન અને ભોજન આ દરેકમાં વૈજ્ઞાનિક અભિગમ જોડાયેલો છે.