જૂનાગઢ: ખેતી તે આપણા દેશનો મુખ્ય વ્યવસાય છે. અનેક ખેડૂતો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. હાલના સમયમાં ખેતી રાસાયણિક પદ્ધતિથી અને દવાઓનો છૂટથી ઉપયોગ કરવાના કારણે અનેક એવી ખેતીની જમીન બગડી રહી છે. જમીનના અનેક પોષક દ્રવ્યો નાબૂદ થઈ રહ્યા છે. જેથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. જેથી આજે આપણે 25 વર્ષ પહેલા ખેતીની જમીનની પરિસ્થિતિ કેવી હતી? આવનારા 25 વર્ષોમાં આ જમીનની પરિસ્થિતિ કેવી થઈ શકે છે? અને આ બાબતે હવે કઈ કાળજી રાખવી જોઈએ, તે સમગ્ર બાબતની માહિતી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગના મદદનિશ પ્રાધ્યાપક ડૉ.એલ.સી.વેકરિયા પાસેથી મેળવીશું.
25 વર્ષ પહેલા જમીનની સ્થિતિ કેવી હતી?
આ અંગે ડો. એલ.સી. વેકરિયાએ જણાવ્યું હતું કે,20થી 25 વર્ષ પહેલા જમીનમાં FYM અને નેચરલ પદ્ધતિથી ખેતી કરવામાં આવતી તેના લીધે ખૂબ સારા પ્રમાણમાં જમીનમાં કાર્બનની સ્થિતિ જણાતી હતી અને નાઇટ્રોજન પણ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળતું હતું. પરંતુ, હાલની પરિસ્થિતિમાં પશુપાલન સાથે ખેતીની એક્ટિવિટી ખૂબ ઓછી થવાથી જમીનમાં અમુક તત્વોનું પ્રમાણ ઓછું થતું જણાય છે. 20 થી 25 વર્ષ પહેલા જે જમીનમાં કાર્બનનું પ્રમાણ .75 એટલે કે કાર્બનનું પ્રમાણ ખૂબ ઊંચું જોવા મળતું હતું હાલના સમયમાં આ પ્રમાણ મોટાભાગની જમીનમાં કાર્બનનું પ્રમાણ .5 સુધી પહોંચી ગયું છે. આ સાથે નાઇટ્રોજનનું જે પ્રમાણ 250 થી 500ની વચ્ચે રહેવું જોઈએ તે, પ્રમાણે હાલના સમયમાં 100થી 150ની આજુબાજુમાં પણ જોવા મળે છે. એટલે કે, 80 થી 90 ટકા જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે.
મહત્વનું છે કે,ફોસ્ફરસ અને પોટેશિયમની પરિસ્થિતિ પણ આ પ્રકારની જ જોવા મળી રહી છે. આમ હાલના તબક્કામાં ઝીંક અને ફેરસ ની ખામી ખૂબ જોવા મળી રહી છે. તેનું સૌથી મોટું ઉદાહરણ મગફળી છે મગફળીનું વાવેતર કરવામાં આવે તેના 10 થી 15 દિવસમાં કે 20 થી 25 દિવસે મગફળીમાં જે પીળાશ જોવા મળે છે આ પીળાશનું કારણ જમીનમાં ફેરસની ખામી દર્શાવે છે. જ્યારે કપાસનું વાવેતર કરવામાં આવ્યું હોય અને 80 થી 90 દિવસનો કપાસ થાય ત્યારે કપાસમાં પણ લાલાશ જોવા મળે છે, તે જમીનમાં મેગ્નેશિયમની ખામી દર્શાવે છે. આ બધા કારણો જમીનમાં તત્વોની સર્જાતી ઉણપ બતાવે છે.
આવનારા 20 વર્ષ પછીની પરિસ્થિતિ શું રહેશે?
જો આને આ પ્રકારની પરિસ્થિતિ રહી અને જમીનમાં બીજા તત્વો ઉમેરવામાં નહીં આવે તો અથવા બીજા તત્વો એટલે કે મેન્યુ કે FOM જમીનમાં નહીં ઉમેરવામાં આવે, તો જમીન ખરાબ થતી જશે. આ સાથે જમીન ખરાબ થવાના કારણો પણ ઘણા છે. હાલના તબક્કે પાણીના બોર અને પાણીના તળ ખુબ ઉંડા જઈ રહ્યા છે. હાલના સમયે પણ 800 થી હજાર ફૂટ એ પાણી આવવું તે સામાન્ય બની ગયું છે. આટલા ઊંડા પાણીના તળમાંથી જ્યારે પાણી વાપરવામાં આવે ત્યારે પાણીની પરિસ્થિતિ ખરાબ હોય છે ખાસ કરીને શિયાળામાં અને જેમ ઉનાળો આવતો જાય તેમ પાણીની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થતી જાય છે. તેમાં સૌથી વધુ જો પાણીનું TDS અને EC છે. જેનું પ્રમાણ EC 2 થી ઓછું હોવું જોઈએ અથવા એકની નીચે હોવું જોઈએ.
આ પ્રમાણ હાલના તબક્કે બેથી ત્રણ અથવા ઘણા પાણીમાં ચારથી ઉપર પણ જોવા મળે છે. આ પ્રકારનું પાણી ખેતરમાં આપવાથી જમીન ખરાબ થઈ જાય છે. કારણ કે, આ પાણીમાં સોડિયમ કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર આવેલા હોય છે. જે જમીનમાં ઉમેરવાથી લભ્ય સ્વરૂપમાં પણ જે પાક હોય તે પણ ઉત્પાદન લઈ શકાતું નથી. જેથી 25 થી 30 દિવસનો પાક થાય તેથી પાક બળવા લાગે છે.
જમીન ટકાવી રાખવી હોય તો શું કરવું?
જો આવનારા વર્ષોમાં ખેડૂતોએ પોતાની જમીન ટકાવી રાખવી હોય તો, દર વર્ષે અથવા બે વર્ષે એકવાર જમીનનું પૃથ્થકરણ કરવું જરૂરી છે. જેથી જમીનમાં કેટલા પ્રમાણમાં તત્વો બચ્યા છે, તે ખ્યાલ આવે અને તે તત્વોનો પાકમાં કેટલો ઉપયોગ થઈ શકે છે તે પણ જાણી શકાય છે. આવનારા ભવિષ્યમાં જો જમીનનું સારી રીતે મોનિટરિંગ અને મેજરિંગ ન કરવામાં આવ્યું તો ખેતી શક્ય બનશે નહીં.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર