- અંજારમાં વડાપ્રધાને જંગી જાહેરસભાને સંબોધી
- કચ્છની તમામ બેઠકો પર કમળ ખીલવવા કરી મતદારોને અપીલ
- ચૂંટણીમાં પાંચ વર્ષનો નિર્ણય નહીં પણ 25 વર્ષનો નિર્ણય કરવાનો છે
આ ચૂંટણી 2002, 2007 કે 2012 વાળી ચૂંટણી નથી, આ 2022ની ચૂંટણી અત્યંત મહત્ત્વપૂર્ણ ચૂંટણી છે. આ ચૂંટણીમાં પાંચ વર્ષનો નિર્ણય નહીં પણ 25 વર્ષનો નિર્ણય કરવાનો છે તેમ જણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંજાર ખાતે જંગી જાહેરસભાને સંબોધતાં કહ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ થયા ત્યારે આપણે આન, બાન અને શાનથી ઉજવણી કરી અને હવે હું સપના અને સંકલ્પ લઈને જીવું છું કે, દેશની આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યારે દેશ અને ગુજરાત વિકસિત હોય. આ 25 વર્ષનો સમયગાળો અમૃતકાળ છે. જે લોકોને જરાપણ શંકા હોય કે આ કેવી રીતે શક્ય બનશે ? એ લોકો માત્ર કચ્છની પાછલા 20 વર્ષની વિકાસયાત્રા જોઈ લે અને તમારે સ્વીકારવું પડે કે અમે વિકસિત ભારત બનાવીને રહેશું.
વધુ તેમણે કહ્યું હતું કે, કચ્છે 2002માં નિર્ણય કર્યો હતો કે મોદીની વહારે ચાલવું છે અને મોદીએ નક્કી કર્યું હતું કે, કચ્છને પહેલાં કરતાં પણ વધારે આન, બાન અને શાન સાથે ઊભું કરવું છે અને કરી દીધું. અમે વાતોના વડા કરવાવાળા લોકો નથી, અમે કચ્છની ધરતીના રોટલા ખાધા છે અને અમે ક્યારેય અમારી વાતમાંથી વિમુખ ન થઈએ. પ્રથમ તબક્કાના મતદાનના જાહેર પ્રચાર વિરામના 24 કલાક પૂર્વે અંજારમાં વડાપ્રધાને નર્મદાનાં પાણી, ખેતી, પ્રવાસન, ભૂકંપ, પુનઃવસન તેમજ ઔદ્યોગિક વિકાસનો ઉલ્લેખ કરવાની સાથે કોંગ્રેસ પર પ્રહારો કરતાં વધુમાં વધુ મતદાન થકી કચ્છની તમામ બેઠકો પર કમળ ખીલવવા અપીલ કરી હતી. નોંધનીય છે કે, આ તકે, ભાજપના આગેવાનો તેમજ કચ્છની તમામ છ બેઠકના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જાહેરસભામાં હાજર રહ્યા હતા.