કચ્છ: ચા માત્ર એક ગરમ પીણાની સાથે એક લાગણી પણ છે. આપણે ભારતીયો ચાના કેટલા શોખીન છીએ તે વિશે વાત કરવાની જરૂર નથી. ‘ચા’નું નામ સાંભળતાની સાથે જ લોકોની ઊંઘ ઉડી જતી હોય છે. લોકો સવારે અને સાંજના સમયમાં ચા પીવાનું વધારે પસંદ કરતા હોય છે. ચાના પ્રેમીઓની સવાર જ ચા પીધા પછી થાય છે. આપણી આસપાસ અનેક ‘ચા’ના રસિયાઓ છે. જે ઘરમાં તો ચા પીવે જ છે. પરંતુ, બહાર પણ તેઓ ખાસ મિત્રો સાથે ચા પીતા જોવા મળે છે. ઘણા લોકો ઘરની બહાર ચા પીવાનું વધારે પસંદ કરતા હોય છે.
ચાનો સ્વાદ અને ગુણવત્તા વધારવા માટે આપણી પાસે ઘણી જૂની પ્રથાઓ છે. દેશના દરેક શહેરમાં તમામ જગ્યાએ ચાનું વેચાણ મોટા ભાગે થતું હોય છે. દરેક ચાની ટપરી પર તમને અલગ-અલગ સ્વાદ મળતો હોય છે. ઘણી બધી જગ્યાએ ચાનો ધંધો સારો ચાલતો હોય છે. જેનું કારણ ચાનો સ્વાદ હોય છે. આવો જ એક સ્વાદ લોકોના દાઢે વળગી ગયો છે. જેનો આનંદ માણવા માટે લાઈનો લાગતી જોવા મળતી હોય છે.
દરરોજ 200 લિટર દૂધની વેચાય છે ચા
આપણે કચ્છના ગાંધીધામ શહેરમાં છેલ્લા 39 વર્ષથી ચાલતી ચાની ટપરીની વાત કરી રહ્યા છીએ. જે લચ્છુભાઈ નીરવાણી નામના ભાઈ દ્વારા ચલાવવામાં આવી રહી છે. કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં નગર પાલિકા પાસે લચ્છુની ચા ટી સ્ટોલ નામની દુકાન આવેલી છે. અહીં દરરોજ 200 લિટર દૂધની ચા વેચાય છે. અહીં તમને આખી ચા 10 રૂપિયા અને અડધી ચા 5 રૂપિયા ભાવે મળે છે. લચ્છુ ટી સ્ટોલની કુલ 2 બ્રાન્ચ આવેલી છે.
કંપની તરફથી મળેલા બોનસથી શરૂ કરી ટી સ્ટોલ
લચ્છુભાઈ નીરવાણીએ લોકલ 18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 42 વર્ષ પહેલાં તેઓ જોન નામની કંપનીમાં નોકરી કરતા હતા. ત્યારે તેમને કંપની તરફથી 278 રૂપિયાની બોનસ મળી હતી. બોનસના રૂપિયા થકી ટી સ્ટોલની શરૂઆત વર્ષ 1985ની સાલમાં કરી હતી. શરૂઆતમાં ફક્ત 10 લિટર દૂધમાંથી ચા બનાવતા હતા. જો કે, હવે દરરોજ 200 લિટર દૂધની ચા બનાવી વેચાણ કરી રહ્યા છે.
10 વર્ષથી લોકોના દાઢે વળગેલો છે આ ચાનો સ્વાદ
વધુમાં તેમણે જણાવ્યું કે, તેમણે અહીંયા ચા એટલી પ્રખ્યાત છે કે, સવારે અને સાંજના ભાગમાં ચા પીવા માટે લાઈનો લાગે છે. લચ્છુ ટી સ્ટોલમાં ચા પીવા આવતા ગ્રાહક જયેશ ધેયડાએ જણાવ્યું હતું કે, તેઓ અહીં 10 વર્ષથી સ્પેશિયલ ચા પીવા માટે આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અહીંની ચા એકદમ કડક અને ટેસ્ટી હોય છે. જેથી જો તમે પણ હાલ કચ્છમાં રણોત્સવની મુલાકાતે કે, કચ્છની મુલાકાતે જઈ રહ્યા છો તો આ ચા પીવાનું ચૂકશો નહીં.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર