ગરુડેશ્વર તાલુકાના વાડી ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 18 વર્ષીય યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. નીચલા ફળિયામાં રહેતા રમેશ ભૂરા તડવીની દીકરી નિકુબેન ઘરે એકલી હતી, જ્યારે તેના માતા-પિતા બાઈક લઈને કામ અર્થે બહાર ગયા હતા.
.
કોઈ અજ્ઞાત કારણોસર નિકુબેને ઘરમાં પડેલી ઝેરી દવા પી લીધી હતી. દવાની અસરથી તેને ઉલ્ટીઓ થવા લાગી અને તે ઘરની બહાર ઉલ્ટી કરતી હતી. એ દરમિયાન તેના માતા-પિતા ઘરે આવ્યા અને દીકરીની તબિયત બગડેલી જોઈને તાત્કાલિક તેને મોટરસાયકલ પર બેસાડીને ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ લઈ ગયા.
હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ દરમિયાન ડૉક્ટરે જણાવ્યું કે યુવતીએ ઝેરી દવા પીધી છે. ગંભીર સ્થિતિને જોતાં તેને વધુ સારવાર માટે રાજપીપળા રીફર કરવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું.
ઘટનાની જાણ થતાં એકતાનગર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ યુવતીના આપઘાત પાછળના કારણોની તપાસ કરી રહી છે.