જામનગર: દરેક માનવીના જીવનમાં વાંચનનું ખૂબ જ મહત્વ હોય છે. એવું કહેવામાં આવે છે કે જે માણસનું જેટલું વાંચન વધુ હોય તેટલું જ તેનું જ્ઞાન અને નિર્ણય શક્તિ પ્રબળ હોય છે. ત્યારે આજના આ સ્પર્ધાત્મક યુગમાં પુસ્તક વાંચવા ખૂબ જ જરૂરી છે. ત્યારે હાલ જામનગરમાં પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળતો હોવાનો આયોજકો દાવો કરી રહ્યા છે.
જામનગરના સાત રસ્તા પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ સામે આવેલ તન્ના હોલ ખાતે પુસ્તક મેળો યોજાઈ રહ્યો છે અને તે આગામી તા. 28 સુધી ચાલશે. જેમાં અંદાજે 1 લાખ જેટલા જુદી જુદી ભાષાના પુસ્તકો છે. બાળકોને પ્રિય પુસ્તકો તથા યુવાનો અને વડીલો, મહિલાઓ એમ તમામ વર્ગને સ્પર્શતા પુસ્તકોનો ખજાનો હાલ જામનગરમાં જોવા મળે છે. આ પુસ્તક મેળાનો લાભ લેવા માટે સવાર-સાંજ સ્થળ પર ખૂબ સારી ભીડ જોવા મળી રહે છે.
જામનગરમાં પુસ્તક મેળાનું આયોજન કરનાર આર આર સેલ એન્ડ કંપનીના મનોજભાઈ એ જણાવ્યું કે ‘‘અમે છેલ્લા ઘણા સમયથી સુરત, વડોદરા, અમદાવાદ સહિતના સ્થળોએ પુસ્તક મેળાનું આયોજન કરીએ છીએ. પરંતુ જામનગરમાં પ્રજાનો ખૂબ સારો પ્રતિસાદ હોવાથી ટૂંકા ગાળામાં જામનગરની અંદર ત્રીજી વખત આ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો ગુણવંત શાહ અને સુધા મૂર્તિ, વર્ષા અડાણી સહિતના લેખકોની બુક્સ વધારે પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત અમુક પુસ્તકોમાં ડિસ્કાઉન્ટ પણ મળે છે.’’
આ પણ વાંચો:
લીંબુના પાકમાં સુકારો, બળિયા ટપકાનો રોગ, આ મહિનામાં દવાનો કરવો છંટકાવ
આયોજકોના દાવા અનુસાર બાળકોમાં હાલ કાર્ટૂન વાળા અને ઇંગ્લિશ શીખવામાં મદદરૂપ થતાં પુસ્તકોની સારી એવી માંગ જોવા મળી રહી છે. યુવાનોમાં ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા પુસ્તકો વધુ વંચાય છે. આ જ રીતે મહિલાઓમાં રસોઈને અનુરૂપ અને વૃદ્ધોમાં નવલકથા સહિતના પુસ્તકોની સારી એવી માંગ જોવા મળી રહી છે. પુસ્તક મેળો શરૂ થયાને માત્ર બે થી ત્રણ દિવસ થયા છે. આમ છતાં પુસ્તકોની ખૂબ સારી માંગ જોવા મળી રહી છે. પુસ્તક મેળાના આયોજનની જાણ થતાની સાથે જ પુસ્તકપ્રેમીઓ દોડી રહ્યા છે. આ ઉપરાંત નવલકથાઓ, સંઘર્ષ ગાથા અને પોતાની જાતને વિકસાવવા ઉપયોગી પુસ્તકો સારા એવા વેચાયા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર