અમદાવાદ,ગુરુવાર,19
ડિસેમ્બર,2024
અમદાવાદના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં પ્રહલાદનગરનગર વિસ્તારમાં
રુપિયા ૭૬ કરોડનો ખર્ચ કરીને ૮ માળનું મલ્ટિલેવલ પાર્કિંગ મ્યુનિ.તંત્ર દ્વારા
બનાવવામાં આવ્યુ છે.આ મલ્ટિલેવલ પાર્કિંગની મિલકતો વેચવા અગાઉ બે વખત પ્રયાસ
કરવામા આવ્યા હતા.જે નિષ્ફળ જતા સ્ટેન્ડિંગ કમિટીમાં મલ્ટિલેવલ પાર્કિંગની
મિલકતોની હરાજી કરવા વધુ એક વખત દરખાસ્ત મંજુર કરાઈ છે.આટલી જંગી રકમ ખર્ચ કરવામાં
આવ્યા પછી પણ ખરીદનાર મળતા ના હોય તો આવા પ્રોજેકટ કરવાના બંધ કરી દો એવી ટીપ્પણી
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને કરવી પડી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ટ્રાફિકની સમસ્યા હળવી
કરવા મલ્ટિલેવલ પાર્કિંગના સપનાં સત્તાધારી પક્ષને બતાવ્યા છે. અગાઉ નવરંગપુરા
મલ્ટિલેવલ પાર્કિંગ ઉપરાંત કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગમાં કરોડો રુપિયાનો ખર્ચ
કરવામા આવ્યા પછી પણ જે તે મલ્ટિલેવલ પાર્કિંગની મિલકતો ખરીદવા કોઈ તૈયાર થયુ
નહતુ.આ પ્રકારના કડવા અનુભવ થયા પછી પણ પ્રહલાદનગર વિસ્તારમાં ૮ માળનુ મલ્ટિલેવલ
પાર્કિંગ બનાવી દેવામાં આવ્યુ છે.જો કે હવે આ મલ્ટિલેવલની મિલકતો વેચવા માટે
મ્યુનિસિપલ તંત્રને નાકે દમ આવી ગયો છે.મલ્ટિલેવલ પાર્કિંગ વીથ કોમર્શિયલ બનાવવામા
આવ્યા પછી મ્યુનિ.ની ભાવ નિર્ધારણ સમિતિ દ્વારા આ જગ્યાનો ભાવ ૪.૩ લાખ પ્રતિ ચોરસ
મીટર નકકી કરવામા આવ્યો હતો.જે બે વખત જગ્યા નહીં વેચાતા આ જગ્યાનો ભાવ ઘટાડીને
રુપિયા ૩.૯૬ લાખ પ્રતિ ચોરસ મીટર ઠરાવવામા આવ્યો છે.જો કે આમ છતાં પણ મિલકતોનુ
વેચાણ થશે કે કેમ એ બાબતમાં શંકા વ્યકત કરવામા આવી રહી છે.આ વિસ્તારમાં આગામી
સમયમાં મહત્તમ જંત્રી રુપિયા ૧.૦૩ લાખ એપ્રિલ-૨૦૨૫થી અમલમાં આવશે.સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેન દેવાંગ દાણીએ ટકોર કરતા કહેવુ પડયુ હતુ કે,જંગી રકમનો ખર્ચ કર્યા પછી પણ જો મલ્ટિલેવલ પાર્કિંગની
મિલકતો વેચાતી ના હોય તો આ પ્રકારના પ્રોજેકટ કરવાના પડતા મુકો.વર્ષ-૨૦૨૩માં
તળીયાનો ૪.૩ લાખ ભાવ મુકીને ૨૦ દુકાનો અને ૭૮ ઓફિસની જગ્યા સાથે ગ્રાઉન્ડ ફલોરથી
પ્રથમ માળ સુધીની દુકાન-ઓફિસ તથા પાંચથી આઠ માળ સુધી આવેલી ઓફિસ અને દુકાન વેચવા
માટે નિર્ણય કરવામાં આવ્યો હતો.બિલ્ડિંગમાં આખો ફલોર વેચવા માટે પણ અગાઉ બે વખત
તંત્રે પ્રયાસ કર્યા હતા જેમાં સફળતા મળી નહતી.જેથી ભાવનિર્ધારણ સમિતિ સમક્ષ ફરી
દરખાસ્ત મુકવામા આવી હતી.કમિટીએ આ દરખાસ્તને ધ્યાનમા લઈ રુપિયા ૬૯૨૭ પ્રતિ
ચોરસમીટર ઘટાડવાનો નિર્ણય કરતા રુપિયા ૩.૯૬ લાખ પ્રતિ ચોરસમીટર ભાવ નકકી કરવામા
આવ્યો છે.