ગાંધીનગર શહેર નજીક રાયસણમાં આવેલી
ઈમરજન્સી સહિત અન્ય વોર્ડમાંથી સાધનોની ચોરી કરતાં સીસીટીવી કેમેરામાં કેદ થયો : ઇન્ફોસિટી પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા રાયસણની હોસ્પિટલમાં એટેન્ડન્ટ
દ્વારા અલગ અલગ બે દિવસો દરમિયાન ૮.૮૯ લાખ રૃપિયાના તબીબી સાધનો ચોરી લેવાની ઘટના
બહાર આવી છે. આ સમગ્ર ચોરી સીસીટીવીમાં કેદ થતાં ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ
કરવામાં આવ્યો છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી
રહી છે ત્યારે શહેર નજીક આવેલા રાયસણમાં સ્કાય સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં
પેશન્ટ કેર અને એટેન્ડેડ તરીકે કામ કરતા કર્મચારીએ ચોરી કરી હોવાની ઘટના બહાર આવી
છે. આ સંદર્ભ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે આ હોસ્પિટલમાં મેનેજર તરીકે
કામ કરતા હષલ કનુભાઈ દરજીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સવારના સમયે તેઓ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે જાણવા
મળ્યું હતું કે, હોસ્પિટલના
ઇમરજન્સી વર્ડમાંથી પેશન્ટની તપાસ કરવા માટે ઉપયોગમાં લેવાતું પેશન્ટ મોનિટર અને
ઇન્જેક્શન પંપ ચોરાયા હતા. જેથી આ સંદર્ભે તપાસ કરાવવામાં આવતા હોસ્પિટલમાં
એટેન્ડન્સ તરીકે કામ કરતો માણસાના લોદરા ભીમરાવનગરમાં રહેતો અરવિંદ કુમાર માધવલાલ
પરમાર ચોરી કરતા સીસીટીવીમાં જણાવ્યો હતો. ત્યારબાદ સ્ટાફ સાથે હોસ્પિટલની ઉપરના માળે
આવેલા વોર્ડમાં તપાસ કરતા અહીંથી પણ સાત જેટલા ઇન્જેક્શન પંપ અને બે બાયપેપ ચોરાયા
હોવાનું જણાયું હતું અને જે અંગે પણ સીસીટીવીમાં તપાસ કરતા ચોરી અરવિંદ પરમારએ કરી
હોવાનું દેખાયું હતું. જેથી કુલ ૮.૮૯ લાખ રૃપિયાના સાધનો ચોરી કરી જતાં આ કર્મચારી
સામે ઇન્ફોસીટી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ
કરી હતી.