-
હૃદયની તકલીફ હોવાનું તારણ નીકળ્યું
-
સિવિલ હોસ્પિટલમાં કરાવી તપાસ
-
પરિવાર પાસે સારવારનો ખર્ચ કરવા લાખો રૂપિયા ન હતા
સિદ્ધપુર તાલુકાના કાકોશી ખાતે રહેતા ફહદ અસામદીના ઘરે મહોમદનો જન્મ થયો હતો જેના એકાદ મહિનાનો સમય વિત્યો હશે ત્યારે બાળક મહોમદના માતા પિતાને ધ્યાનમાં આવ્યું કે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે અને સ્તનપાન કરવામાં પણ તકલીફ લાગતાં તેના પરિવારજનો દ્ધારા નવજાત શિશુઓના આરોગ્ય સંબંધી માહિતી મેળવતા સમયે આંગણવાડી વર્કરને મહોમદના પરિવારજનોએ વાતની જાણ કરી.
આંગણવાડી વર્કર દ્વારા માહિતી મળતાં જ સિદ્ધપુર રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કાર્યરત મેડિકલ ઓફિસરે મહોમદના ઘરની મુલાકાત લઈ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવતાં હૃદયની તકલીફ હોવાનું તારણ નીકળ્યું હતું. જન્મથી હૃદયની તકલીફ સાથે જન્મેલા મહોમદનું વજન પણ ઓછું હતું અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાએથી જરૂરી મંજૂરીઓ લીધા બાદ મહોમદને આરબીએસકે વાનમાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ ખાતે લઈ ગયા જ્યાં 15 દિવસ સારવાર હેઠળ રાખી ગત મહોમદના હૃદયનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું જેનો ખર્ચ 5 લાખ રૂપિયા જેટલો થાય છે.
મહોમદના પિતા ફહદ અસામદીએ જણાવ્યું કે, સારવાર સહિતના ખર્ચનો મને અંદાજ પણ નહોતો. ઓછી આવકમાં ગુજરાન ચલાવતો હોવાથી આ રકમ ક્યાંથી લાવવી એ જ મોટો પ્રશ્ન હતો પણ તેને કહેવામાં આવ્યું કે આ બધો જ ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે.
મદદે આવનારી રાજય સરકારનો સદા ઋણી રહીશ
ફહદ અસમાદીએ જણાવ્યુ હતું કે એ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં મહોમદના ઓપરેશન 15 દિવસ સુધીની સારવાર અને અમારા રહેવા જમવા સુધીની સુવિધા કોઈને એપણ રૂપિયો આપ્યા વગર મળી. મારા માથે છોકરાની તબિયતની અને તેની પાછળ થતાં ખર્ચાની ચિંતા હતી પણ આવા સંકટના સમયે મદદે આવનારી રાજય સરકારનો સદા ઋણી રહીશ. હાલ મહોમદ એકદમ તંદુરસ્ત છે આંગણવાડી કાર્યકરો દ્વારા તેના સ્વાસ્થ્યની સમયાંતરે તેના શારીરિક વિકાસ સહિતની તપાસ કરવામાં આવે છે.
જિલ્લામાં જન્મજાત હૃદયરોગ ધરાવતા 182 બાળકો મળી આવ્યા હતા : 46 બાળકોનું સફળ ઓપરેશન કરાયું
પાટણ જિલ્લામાં કુલ 27 આરીબેઅસકે વાન કાર્યરત છે જેનું તાજેતરમાં જ ગરીબ કલ્યાણ મેળા દરમિયાન બ્રાન્ડીંગ પણ કરવામાં આવ્યું છે. આ ટીમો દ્વારા વર્ષમાં બે વાર આંગણવાડી અને એકવાર શાળામાં અભ્યાસ કરતાં બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવે છે. વર્ષ 2021-22 દરમિયાન આરબીએસકે ટીમ દ્વારા સ્ક્રિનીંગ દરમિયાન જિલ્લામાંથી જન્મજાત હૃદયરોગ ધરાવતા 182 બાળકો મળી આવ્યા હતા જે પૈકી 46 બાળકોનું સફળ ઓપરેશન કરાવવામાં આવ્યું છે જયારે 126 બાળકો સારવાર હેઠળ છે.