જામનગર: હાસ્ય સાથે જેને બાઈબંધી હતી, તેવા વસંત પરેશ બંધુ હવે આપણી વચ્ચે રહ્યા નથી. આ સમાચારે વસંત પરેશના ચાહકોને શોકમગ્ન કરી દીધા છે. હાસ્યની દુનિયામાં જાણીતું નામ એટલે વસંત પરેશ બંધુ. તેની જોક્સ કહેવાની સ્ટાઈલ બીજા કલાકાર કરતાં અલગ જ હતી. ભંગીર મુદ્રામાં જોક્સ કહેતા લોકો હાસ્ય રોકી શકતા ન હતાં અને તેના કાર્યક્રમમાં હાસ્યનું વાવાઝોડું ફળી વળતું હતું. પ્રોગ્રામની શરૂઆત શાયરીથી કરતા અને પછી નવા નવા જોક્સ સંભળાવી શ્રોતાનો હસાવી હસાવી લોથપોથ કરી દેતા. પત્ની ઉપર વધારે જોક્સ કરતા હતા. આ હાસ્યના જાદુગર વસંત પરેશનું નિધન થયું છે.
હાસ્ય કલા ક્ષેત્રે જબરું ખેડાણ કરનારા જામનગરના રત્ન સમાન વસંત પરેશ બંધુનું નિધન થયું છે. વસંત પરેશ ‘બંધુ’ એ 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લેતા તેમનો ચાહક વર્ગ ઘેરા શોકના સાગરમાં ડૂબ્યો છે. તેમના નિધન સાથે જ તેમને કલા અને સાહિત્ય ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિઓ અમર થઈ ગઈ છે. છેલ્લા ચારથી પાંચ વર્ષથી બીમારીને લઈ પથારીવશ રહેલા વસંત પરેશે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના પાર્થિવદેહને જામનગર લાવવા રવાના થયા છે અને સાંજે 4:30 કલાકે તેમના નિવાસસ્થાન જામનગરના મંગલબાગ ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળશે.
હાસ્ય સાહિત્યના આરાધક વસંત પરેશ બંધુના નિધનથી જામનગર કલા જગતને મોટી ખોટ પડી છે. જામનગર નિવાસી અને ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ ખેતસીભાઈ (વસંત પરેશ બંધુ) એ 70 વર્ષની વયે અંતિમ વ્યારાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર તેઓ લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લા 4 વર્ષથી પથારીવશ હતા. જે બીમારી જીવલેણ નીવડી છે. અંતિમ યાત્રા જામનગરમાં તેમના નિવાસસ્થાન 203, લક્ષ્મી એપાર્ટમેન્ટ, મંગલબાગ શેરી નંબર-1, જામનગરના સ્થળેથી બપોરે 4:30 વાગ્યે નીકળશે.
આ પણ વાંચો:
સવારની પૂજાને લઈ ગુરુ-શિષ્ય વચ્ચે થયું મનદુ:ખ, અને પછી થયો ચમત્કાર
તેમના હિટ શોની વાત કરવામાં આવે તો વસંત પરેશ બંધુએ ‘વસંતનું સટર ડાઉન’, ‘ચૂંટણી જંગ’, ‘મારી અર્ધાંગિની’, ‘પોપટની ટિકિટ ન હોય’ જેવા અનેક હાસ્ય રસો પીરસ્યા છે. સાથે જ તેઓએ હિન્દી ફિલ્મમાં પણ તેઓએ કેમિયો રોલ કર્યો છે. તેમનું જીવન ખૂબ સંઘર્ષમય રહ્યું છે. તેઓએ સ્ટેજમાં એનાઉન્સર અને સંચાલક તરીકે કામ કરી સાહિત્ય અને કલા જગતમાં પગ મૂક્યો હતો. પોતાની અનોખી વાકછટ્ટા અને શાયરીઓના અનોખા અંદાજને કારણે તેમનો શ્રોતા વર્ગ અને ચાહક વર્ગ વિશાળ હતો. આ અંગે તેઓએ 110 જેટલી ઓડિયો કેસેટો પ્રસારિત કરી ચૂક્યા છે. તેઓએ દુષ્કાળ વખતે ગૌચારા માટે ફંડ એકત્ર કરવા સેવાના હેતુથી અનેક કાર્યક્રમો કર્યા હતા. દુબઈ, શાહજહાં, કેનેડા, યુરોપ, લંડન સહિતના અનેક દેશમાં હાસ્ય રસ પીરસી ચૂક્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર