Last Updated:
હાપા માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં અજમાની આવક થઈ રહી છે. તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. અજમાના ભાવમાં તેજી આવતા ખેડૂતો ખુશ થયા છે. અજમાના ભાવ 1200 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે.
જામનગર: જામનગર પંથકનો અજમો દેશભરમાં પ્રખ્યાત છે અને જામનગર માર્કેટિંગ યાર્ડમાં અજમાના અન્ય યાર્ડની સરખામણીએ ભાવ પણ સારા મળતા હોય છે. કારણ કે, અજમાની ખરીદી કરતા કેટલાય વેપારીઓ જામનગર યાર્ડમાં હાજર હોવાથી અજમાના પૂરતા ભાવ મળે છે. હાલ મોટાભાગની તમામ જણસીના ભાવ તળિયે બેસી રહ્યા છે, જ્યારે બીજી બાજુ અજમાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ગઈકાલની સરખામણીએ આજે અજમાના ભાવમાં 1000 થી 1200 રૂપિયા જેવો વધારો નોંધાયો છે. જેને લઈ ખેડૂતો રાજીના રેડ થયા છે. ખેડૂતોને આજે અજમાના ભાવ લગભગ 5,400 રૂપિયા જેવા મળ્યા હતા.
જામનગરમાં આવેલ હાપા યાર્ડ અજમા માટે ગુજરાત તેમજ દેશભરમાં જાણીતું છે. ગઈકાલે અજમાના 4 હજાર રૂપિયા જેવા ભાવ મળ્યા હતા. જેની સરખામણીએ આજે સાડા પાંચ હજાર રૂપિયા જેવા ભાવ મળ્યા છે. પરિણામે અજમો વેચવા આવેલા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ હતી. છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો તારીખ 5 માર્ચના રોજ 1400 રૂપિયાથી 4440 રૂપિયા અજમાનો ભાવ મળ્યો હતો. ત્યારબાદ 6 માર્ચના રોજ 1800 થી 3950 અને 7 માર્ચના રોજ 1500 થી 3780 રૂપિયાના ભાવે અજમાના સોદા પડ્યા હતા.
બાદમાં ગત તા. 8 ના રોજ 1800 થી 3450 રૂપિયામાં અજમાનું વેચાણ થયું હતું. જ્યારે 9 તારીખે રવિવારની રજા બાદ તા. 10 એટલે કે ગઈકાલે ખેડૂતોને અજમાના ભાવ 1800 રહી 4245 રૂપિયા મળ્યા હતા. જ્યારે તેમાં જે 1 હજારથી 1200 રૂપિયા જેવો વધારો થયો છે. આજે 123 ખેડૂતો પોતાના અજમો લઈ વેચવા માટે યાર્ડમાં આવ્યા હતા, જેની હરાજીમાં અજમાના 5400 રૂપિયા જેવા ભાવ મળ્યા હતા અને 2574 મણ અજમાની જામનગર યાર્ડમાં આવક નોંધાઈ હતી.
આ પણ વાંચો: આ જાતના ટામેટાનું કરી દો વાવેતર, હેક્ટરે થશે 800 ક્વિન્ટલ ઉત્પાદન
મહત્વનું છે કે અજમાની નિકાસ વિદેશમાં પણ મોટા પાયે થાય છે. દેશભરની સ્પાઈસ બ્રાન્ડેડ કંપનીઓ જામનગરથી અજમો ખરીદે છે. એવો દાવો કરવામાં આવે છે કે આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પણ જામનગર યાર્ડમાંથી એમના એજન્ટો મારફત અજમાની ખરીદી કરે છે. મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં અજમાના ભાવની હરાજી માટેનો જ પ્રારંભ જામનગરથી જ થાય છે અને તેના આધારે સમગ્ર રાજ્યમાં અજમાના હરાજી થાય છે.
Jamnagar,Gujarat
March 11, 2025 3:22 PM IST