Narmada Parikrama: નર્મદાને ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે. નર્મદા ફક્ત મધ્ય ગુજરાત જ નહીં, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓની તરસ ઠારે છે. આખા ગુજરાતને પાણી પૂરું પાડવાની સાથે નર્મદાનું આધ્યાત્મિક મહત્ત્વ પણ ઘણું છે. અનેક ધાર્મિક ગ્રંથોમાં પણ નર્મદાને ખૂબ જ પવિત્ર નદી કહેવામાં આવે છે. જેથી ભક્તો મા રેવાની પરિક્રમા કરી ધન્યતા પણ અનુભવે છે. એવી માન્યતા છે કે, નર્મદાની પરિક્રમા કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. નોંધનીય છે કે, ભારતમાં આ એકમાત્ર એવી નદી છે, જેની પરિક્રમા કરવામાં આવે છે.
5થી 6 મહિના ચાલે છે પરિક્રમા
દેવ ઊઠી અગિયારસથી શરુ થતી માતા નર્મદાની પરિક્રમા 5થી 6 મહિના સુધી ચાલે છે. 3600 કિલોમીટર લાંબી આ પરિક્રમામાં અનેક આસ્થાના કેન્દ્રો અને આશ્રમો આવે છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી શરુ થયેલી પરિક્રમા ગુજરાતના નર્મદા જિલ્લાના સુરપાણેશ્વરના જંગલોમાંથી પસાર થઈ ભરૂચ જશે. મધ્યપ્રદેશથી નીકળી આ નદી ભરૂચના દરિયામાં ભળી જાય છે.
પરિક્રમાવાસીઓનો ભારે ઉત્સાહ
3600 કિલોમીટરની આ પરિક્રમા 5થી 6 મહિનામાં પૂર્ણ કરીને અમરકંટક સુધી જઈને ફરી ઓમકારેશ્વર પહોંચશે ત્યારે પરિક્રમા પૂર્ણ થઈ ગણાતી હોય છે. હાડ થીજવતી ઠંડી અને અનેક કિલોમીટરનું અંતર છતાં પરિક્રમાવાસીઓનો ઉત્સાહ અને મા નર્મદા પ્રત્યેની શ્રદ્ધા અતૂટ રહે છે.
આ પણ વાંચોઃ ગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ, યાત્રિકોની સલામતી માટે લેવાયો નિર્ણય
ગ્રંથોમાં મા રેવાનું ખાસ મહત્ત્વ
નર્મદા પરિક્રમાને સૌથી કઠિન પરિક્રમા પણ માનવામાં આવે છે. તેમ છતાં દર વખતે લાખો શ્રદ્ધાળુઓ આ પરિક્રમા કરવા નીકળે છે. માતા નર્મદાના ગુણગાન તો ખુદ ભગવાને પણ ગાયા છે અને અનેક ધાર્મિક ગ્રંથોમાં પણ તેનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે.