આણંદ: ભીંડાની ખેતી મોટાભાગે ચોમાસા અને ઉનાળા દરમિયાન કરવામાં આવતી હોય છે. જેમાં બે પ્રકારના ભીંડાની ખેતી કરવામાં આવે છે. એક દેશી અને બીજી હાઇબ્રિડ છે. જેમાં ખાસ કરીને આજકાલ માર્કેટમાં હાઇબ્રિડ વેરાયટીના ભીંડા ખૂબ જ વધારે માંગમાં હોવાના કારણે ખેડૂતો દ્વારા આ ભીંડાની ખેતી કરવામાં આવતી હોય છે. જો કે, બજારમાં તેના બિયારણના ભાવ ઊંચા હોય છે અને તેમાં પણ યોગ્ય બિયારણ ન હોય તો પાકને નુકસાન થતું હોય છે. જેથી આજે આપણે નિષ્ણાત પાસેથી હાઇબ્રિડ ભીંડાના બીજ ઘરે કેવી રીતે તૈયાર કરી શકાય તે જાણીશું.
ઘરે જ બનાવો હાઇબ્રિડ ભીંડાના બીજ
આ અંગે કૃષિ વૈજ્ઞાનિક અને શાકભાજી સંશોધન વિભાગના વડા ડો.આર.આર.આચાર્યએ જણાવ્યું હતું કે, ભીંડામાં હાઇબ્રિડ અથવા તો શંકર જાત બનાવવા માટે સૌપ્રથમ નર અને માદા ભીંડાની જરૂરિયાત પડતી હોય છે. આ બંનેના સંકલનથી હાઇબ્રિડ બીજ બનાવવામાં આવતા હોય છે. ખાસ કરીને ખેતરમાં 1/1 ચારના રેશિયોમાં નર અને માદા ભીંડા ઉગાડવામાં આવતા હોય છે. જેમાં એક હાર નર અને બીજી ત્રણ હાર માદા ભીંડાની ઉગાડવામાં આવતી હોય છે. જે બાદ હાઇબ્રિડ બનાવવા માટે ખાસ કરીને નર અને માદાનું સંકલન કરાવવું ખૂબ જ જરૂરી છે. જેને અંગ્રેજીમાં પોલિનેશન(Pollination) કહેવામાં આવે છે.
હાઈબ્રિડ કેવી રીતે બનાવવી
સૌપ્રથમ હાઇબ્રિડ બનાવતા પહેલા નર અને માદાની જાતની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. પસંદગી તેની ગુણવત્તા અને બીજી બધી વસ્તુને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે. ખાસ કરીને જે ખેડૂતોને રિક્વાયરમેન્ટ હોય તે, પ્રમાણે પસંદગી કરવામાં આવતી હોય છે. માહિતી અનુસાર, નર અને માદા ભીંડાની પસંદગી કર્યા બાદ જ્યારે ફૂલ બેસવા લાગે છે તે સમયે હાઇબ્રિડ બનાવવાની શરૂઆત કરવામાં આવે છે.
હાઇબ્રિડ બનાવવા માટે નર અને માદાનું સંકલન કરાવવું ખૂબ જ જરૂરી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નર અને માદા ભીંડાની પસંદગી કરી લીધા બાદ જ્યારે ફૂલ બેસવા લાગે તે સમયે સાંજના પાંચથી આઠની વચ્ચે નર ભીંડામાં જે ફૂલની બીજે દિવસે કળી ખીલવાની હોય તેની ઉપર સફેદ કલરની કોથળી ચડાવી દેવામાં આવે છે જેથી કરીને તેની પર બીજા પરાગરજ ના લાગે. તેવી જ રીતના જે માદા ભીંડા સાથે પોલિનેશન કરવાનું હોય તેની ઉપર પણ સફેદ કલરની કોથળી ચડાવી દેવામાં આવે છે. બીજે દિવસે સવારે કોથળી હટાવીને માદા ભીંડાની કળી અંદર ઈમેસ્કિનેશન એટલે કે, ઉપરથી અંગૂઠા વડે નરના ભાગને દૂર કરીને માદાની સ્ટીમને રાખતા હોય છે. બાદમાં જે નર ભીંડા ના ફૂલ પરથી પાંખડી હટાવીને તેની અંદર આવેલ પીળા કલરના પરાગરજને સ્ટીમના ઉપરના ભાગે અડાવીને પોલિનેશન કરવામાં આવતું હોય છે.
નર ફૂલ દ્વારા બે કે ત્રણ વખત પોલિનેશન(Pollination) કરી શકાય છે. પરાગરજનું પોલિનેશન કર્યા બાદ લાલ કલરની કોથળી માદા ફૂલ ઉપર લગાવી દેવામાં આવતી હોય છે અને બાદમાં નીચેની ભાગે દોરો બાંધી દેવામાં આવે છે. જેથી કરીને આ પાકમાં આવનાર બીજ હાઇબ્રિડ છે તેવી ખબર પડે છે. ભીંડી આવ્યા બાદ તેના બીજ કાઢીને 8 ટકા જેટલું ભેજ રહે તે પ્રમાણે સુકવીને બીજ તૈયાર કરવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર