જૂનાગઢ: વાતાવરણ પરિવર્તનની અસરને કારણે ગીર સોમનાથ વિસ્તારમાં ખાખડીનું આગમન થયું છે. જે સ્થાનિક બજારોમાં ચર્ચાનો વિષય બની છે, જ્યાં કેરી પ્રેમીઓ ઊંચા ભાવ હોવા છતાં પણ આનો સ્વાદ માણી રહ્યા છે. ગીર સોમનાથમાં શિયાળાની ઋતુમાં કેરીનું આગમન એક નવી જ ઉત્સુકતા પેદા કરી છે. સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં મળતી કેરી હવે શિયાળામાં પણ મળી રહી છે, જે કેરી પ્રેમીઓ માટે એક આનંદની વાત છે. ખાખડીનો સ્વાદ અને તેની દુર્લભતા બજારમાં ચર્ચાનો વિષય બની છે.
શિયાળામાં કેરીના ઊંચા ભાવ
શિયાળામાં કેરી જોવા મળવી અદ્ભુત છે. કેરી શિયાળામાં ઊંચા ભાવ સાથે વેચાઈ રહી છે. હાલ બજારમાં 100 ગ્રામ માટે 120 થી 150 રૂપિયા અને એક કિલો માટે 1200 થી 1500 રૂપિયાનો ભાવ બોલાઈ રહ્યો છે. છતાં પણ કેરી પ્રેમીઓ માટે આ કિંમતો કોઈ અવરોધ ઊભો કરી શકતી નથી.
ખાખડી કેરીનું આગમન
ગીર સોમનાથના ઉના પંથકમાં કેરીનું વહેલું આગમન થયું છે. વેપારીઓ અહીંથી કેરી ખરીદી જૂનાગઢ અને અન્ય બજારોમાં વેચાણ કરી રહ્યા છે. લોકો શિયાળામાં કેસર કેરીનો સ્વાદ માણવા ઉત્સુક છે, જેના પરિણામે બજારમાં તેની ઊંચી માંગ જોવા મળી રહી છે. ખાખડી માત્ર ખાવા માટે નહીં, પણ સલાડ અને અન્ય વાનગીઓમાં પણ ઉપયોગી થાય છે. તેના અનોખા સ્વાદને કારણે ઘણા રસોઈપ્રેમીઓ પણ તેની તરફ આકર્ષિત થાય છે.
શા માટે વહેલી આવી કેરી?
આ મામલે કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના ડીન ડો. ડી. કે. વરુએ જણાવ્યું હતું કે, “આ વર્ષે ફ્લાવરિંગ વહેલું છે. નવેમ્બર મહિનામાં જેને ફ્લાવરિંગ આવી ગયું હોય તેમને અત્યારે ખાખડી આવી જાય. સામાન્ય બગીચાઓમાં 10% ઝાડ એવા હોય છે કે, તેમાં વહેલું ફ્લાવરિંગ આવી જતું હોય છે. તેથી તેમાં ખાખડીનો સ્ટેજ હોય અને અમુક ખેડૂતો કેરી મોટી થાય, તેને પકાવવી તેવી રાહ જોવાને બદલે ખાખડીમાં જ કમાણી કરી લેતા હોય છે. તેથી આ ખાખડી ખાવી હિતાવહ છે. તેમાં કોઈ આરોગ્યની દ્રષ્ટિએ પ્રોબ્લેમ નથી.”
મહત્વનું છે કે, શિયાળામાં કેરીનું આગમન કેરી પ્રેમીઓ માટે એક નવા આનંદ અને ઉત્સાહનું કારણ છે. ઉનાળાની રાહ જોવાને બદલે, હવે લોકો શિયાળામાં પણ કેરીનો આનંદ માણી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પાકની ઋતુઓમાં ફેરફાર થઈ રહ્યા છે, અને આગામી વર્ષોમાં પણ આવી પરિસ્થિતિ જોવા મળશે. પરંતુ, એ નિશ્ચિત છે કે, કેસર કેરીનો સ્વાદ કોઈપણ ઋતુમાં મોઢામાં પાણી લાવતો રહેશે!
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર