- ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સિદ્ધપુર ખાતે તિરંગા યાત્રા
- કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
- દેશભરમાં દરેક ઘરમાં તિરંગા ઝુંબેશ ચલાવવાની જાહેરાત
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ત્યારે આ તિરંગા યાત્રામાં વેપારીઓ, સામાજિક સંસ્થાઓ, સ્કૂલો, સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને સાથે જ તેમણે આઝાદી માટે બલિદાન આપનાર શહીદોને યાદ કર્યા હતા.
મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા
આ તિરંગા યાત્રામાં સાંસદ, નગરપાલિકા પ્રમુખ, પૂર્વ સાંસદ, પ્રદેશ ઉપાધ્યક્ષ, જિલ્લા ભાજપ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓ, તાલુકા ભાજપ પ્રમુખ અને મહામંત્રી, સિનિયર આગેવાનો, યુવા મોરચા, મહિલા મોરચા અને વિવિધ મોરચાના હોદ્દેદારો પણ જોડાયા હતા. સાથે જ મોટી સંખ્યામાં લોકો પણ આ યાત્રામાં જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું અભિયાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ 2024 પહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કર્યું છે. PMએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’ પર તેમની પ્રોફાઇલ પિક્ચરને તિરંગાની તસવીર સાથે બદલી છે. 28 જુલાઈના રોજ પ્રસારિત તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં, પીએમ મોદીએ હર ઘર તિરંગા અભિયાન વિશે વાત કરી હતી અને લોકોને harghartiranga.com વેબસાઇટ પર રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવા વિનંતી કરી હતી.
દરેક ઘરમાં તિરંગા ઝુંબેશ ચલાવવાની જાહેરાત
આ અભિયાન દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યોને રાષ્ટ્રધ્વજ અને તિરંગા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને લોકોને તિરંગા સાથે જોડવા સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરવા સૂચના આપી છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે દેશ આ વર્ષે નવો રેકોર્ડ બનાવશે. આઝાદીના મહાન તહેવારને વિશેષ બનાવવા માટે કેન્દ્ર સરકારે 09 ઓગસ્ટથી દેશભરમાં દરેક ઘરમાં તિરંગા ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરી છે. જે 15મી ઓગસ્ટ સુધી ચાલશે.