બનાસકાંઠા: જિલ્લામાં પરંપરાગત ધંધો કરતા લોકો મોટી સંખ્યામાં રહે છે. જિલ્લામાં ભરત કામ, હસ્તકલા, પરંપરાગત લાકડા પર કારીગરી કરતા લોકો વિશ્વભરમાં પ્રખ્યાત છે. તે જ રીતે જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા કુવાળા નાનકડા ગામમાં રહેતા જયંતિભાઈ સુથાર ધાતુ કળાને જીવંત રાખી રહ્યા છે. તેઓ કેવી રીતે કામ કરે છે અને કામગીરી કરવામાં કેટલો સમય લાગે તે જાણીએ.
બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુવાળા નાનકડા ગામમાં જયંતીભાઈ સુથાર ધાતુ કળાને જીવંત રાખી રહ્યા છે. તેઓ અલગ અલગ ધાતુ પર ચિત્રો બનાવે છે. તેઓ દ્વારા ધાતુ પર કરવામાં આવતી કલાકામની માંગ ભારત સહિત વિદેશોમાં પણ વધી છે.
જયંતિભાઈ શિવરામભાઈ સુથાર ખેતીની સાથે સાથે પરંપરાગત વારસાઈમાં મળેલ 400 વર્ષ પૌરાણિક હસ્તકલા, ધાતુ કળાને જીવંત રાખી રહ્યા છે. જ્યંતીભાઈ સુથારે આ કળાને પોતાના દાદા અને પિતા પાસેથી શીખી હતી. ધાતુ પર કોતરણી કરી વિવિધ આકૃતિઓ બનાવે છે જેની માંગ હવે દેશ સહિત વિદેશોમાં પણ વધી છે. તેઓ છેલ્લા 25 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે. તેઓ 49 વર્ષના છે અને માત્ર ધોરણ 9 સુધી અભ્યાસ કરેલો છે.
જયંતિભાઈ જણાવ્યું હતું કે, ધાતુ પર કલાકૃતિઓ બનાવવા માટે તેઓ સૌપ્રથમ પેન્સિલની મદદથી ચાંદીના પતરાપર અથવા કોઈ ધાતુના પતરા પર દોરી નાખે છે. પછી ટાંકણી અને હથોડીની મદદથી તમામ ચિત્રોને ધાતુના પતરા પર ઉપસાવવામાં આવે છે.
ચાંદીના 20 ગેજના પતરા પર અલગ અલગ ચિત્ર બનાવે છે. ધાતુના પતરા પર ખાસ કરીને તેઓ મંદિરની પિછવાઈ, પરિકર, તોરણ, ચંદરવો, સિલિંગ, નાણ,તીગડું,ભંડાર,શત્રુંજય પટ ના ચિત્રો વોલ પીસ, બનાવે છે. આ તમામ વસ્તુઓ બનાવવામાં તેઓ કોઈ પણ પ્રકારની મશીનરીનો ઉપયોગ કરતા નથી. તમામ પ્રકારની કલાકૃતિઓ તેઓ માત્ર ટાંકણી અને હથોડીની મદદથી હેન્ડ વર્ક એમ્બોઝ લાઇવ જીવન ચરિત્રની સ્ટોરી તૈયાર કરે છે.
જયંતિભાઈ સુથાર દ્વારા ખાસ કરીને દેરાસરમાં, ઓફિસમાં, મંદિરની મૂર્તિની પાછળના પિલ્લર પર તેમજ અલગ અલગ વોલપેપર અને શિલ્ડ પર પણ બનાવે છે. તેમને આ કલા બદલ 2021 માં ગુજરાત સરકાર દ્વારા કલા મેટલનો રાજ્યનો પ્રથમ નંબરનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે તેઓને 1 લાખનો ચેક પણ એનાયત કરવામાં આવ્યો હતો. 2021 માં જ વિશ્વકર્મા સમાજ દ્વારા વિશ્વકર્મા રતન એવોર્ડ 2021 પણ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2024માં અતુલ્ય એવોર્ડ સહિત અત્યાર સુધી કુલ 12 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર