- ઉશ્કેરાયેલા પુત્રએ માતાનું મોત નિપજાવ્યા બાદ પિતાને પણ સાંબેલાથી ફટકા માર્યા
- સમગ્ર ઘટનાને લઇ પુત્રની ક્રૂરતા સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો
- નજીવી બાબતે પુત્રએ સાંબેલાથી માતાને માથામાં ફટકા મારી કરપીણ હત્યા કરી દીધી
નિઝરના હથનુરમાં બુધવારે જમવાનું જલ્દી આપવા મુદ્દે માતા-પુત્ર વચ્ચે થયેલી બોલાચાલી દરમિયાન નજીવી બાબતે પુત્રએ સાંબેલાથી માતાને માથામાં ફટકા મારી કરપીણ હત્યા કરી દીધી હતી. તેમજ પિતાને પણ સાંબેલાથી ફટકા મારી ઇજા પહોંચાડી હતી. સમગ્ર ઘટનાને લઇ પુત્રની ક્રૂરતા સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો.
તાપી જિલ્લાના નિઝર તાલુકાના હથનુર ગામમાં જન્મ આપનાર જનેતાને ખાવાના મુદ્દે દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધાના કિસ્સામાં અરેરાટી ફેલાવી દીધી હતી. બુધવારે સવારે હથનુર ગામની સીમમાં આવેલા સર્વે નં. 18-19માં આવેલ અશ્વિનભાઇ છગનભાઇ પાડવી (ઉં.વ.55)ના ઘરમાં તેમના પત્ની સીલાબેન અશ્વિનભાઇ પાડવી (ઉં.વ. 50) રસોઇ બનાવી રહ્યા હતા. તે દરમિયાન પુત્ર સુરજ અશ્વિનભાઇ પાડવી (ઉં.વ. 25)એ આવીને વહેલા જમવાનું માંગતો હતો. રસોઇ થતી હોવાથી માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાઇ ગયેલા પુત્ર સૂરજ પાડવીએ નજીકમાં મૂકેલા સીસમના લાકડાનું સાંબેલું ઉપાડીને માતાના માથાના જમણા ભાગે ફટકો મારી દેતા તેણી લોહીલુહાણ થઇ ઢળી પડયા હતા. પત્નીને બચાવવા માટે દોડી ગયેલા અશ્વિન પાડવીને પણ પુત્રએ માથાના ભાગે સાંબેલા વડે ફટકો મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ગંભીર ઇજાને લીધે શીલાબેનનું ચૂલા પાસે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અશ્વિન પાડવીને ગંભીર ઇજા થઇ હતી. હત્યારા પુત્રએ માતાની હત્યા કરી તથા પિતાને ગંભીર ઇજા પહોંચાડી તાપી જિલ્લા કલેક્ટરના જાહેરનામાંનો ભંગ કરી ગુનો કર્યાની ફરિયાદ ઇજાગ્રસ્ત પિતાએ નિઝર પોલીસ મથકે કરી છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.