ભરૂચ : જિલ્લાના આમોદ તાલુકાના નાહિયેર ગામે હઠીલા હનુમાન (hanuman) જીનું મંદિર આવેલુ છે. અહીંની ખાસ વાત એ છે કે, આ સ્થળે સ્થાપિત કરાયેલા હઠીલા હનુમાનજીની મૂર્તિ સ્વયંભુ પ્રગટ થઈ હતી. જેથી દૂર-દૂરથી લોકો પોતાની મનોકામના લઈને હનુમાનજીના મંદિર દર્શનાર્થે આવે છે.
હનુમાનજીનું મંદિર 100 થી 150 વર્ષ પૌરાણિક
આમોદ તાલુકાના નાહિયેર સ્થિત હઠીલા હનુમાન (hanuman) જીનું મંદિર આશરે 100થી 150 વર્ષ પૌરાણિક છે. મંદિર (temple) સાથે પૌરાણિક કથા સંકળાયેલી છે. એક કથા અનુસાર, એક અસ્થિર મગજનો વ્યક્તિ ગામની સીમમાં તળાવ પાસેથી મળે પપથ્થરને વારંવાર નજીકમાં રહેલ કૂવામાં નાખતો હતો. સાંજે કુવામાં પથ્થર નાખે અને સવારે પથ્થર તેની જગ્યા ઉપર યથાવત્ જોવા મળતો હતો. જેથી આ વ્યક્તિએ ગ્રામજનોને જાણ કરી હતી. જો કે, તે પોતે અસ્થિર મગજનો હોવાથી ગ્રામજનોએ એની વાત પર ધ્યાન આપ્યું નહોતું પરંતુ, કેટલાક લોકોને એની વાત અંગે શંકા જતા લોકોએ આંકડાના વૃક્ષ સાથે રહેલ પથ્થરને કૂવામાં નાખી જોયો અને સવારે જોવા જતા પથ્થર તેની મૂળ જગ્યા પર જોવા મળ્યો હતો. જેથી પથ્થરને પલટાવી જોતા સાક્ષાત હનુમાનજીની પ્રતિમા જોવા મળી હતી.
આ પણ વાંચો :
કળિયુગમાં હાજરા હજુર છે હનુમાનજી! અહીં તમને થશે સાક્ષાત દર્શન, જાણો રસપ્રદ વાત
અહીં શુભ પ્રસંગો અને લગ્ન પ્રસંગની પણ વ્યવસ્થા
પથ્થરને પલટાવતા હનુમાનજીની મૂર્તિ મળી આવતા લોકોએ આ સ્થળે હનુમાનજીની પ્રતિમાની સ્થાપના કરી હતી. જે અસલ સ્થાનક આજે પણ આ સ્થળે છે. અહીં સાક્ષાત હનુમાનજી બિરાજેલા હોવાથી લોકો દૂર-દૂરથી શુભ પ્રસંગો અને લગ્ન પ્રસંગો કરવા માટે મોટી સંખ્યામાં આવે છે. અહીં ટ્રસ્ટી જયેનભાઈ ઈશ્વરભાઈ પટેલ, નરસિંહભાઈ હરિભાઈ પટેલ તો વિષ્ણુભાઈ અંબાલાલ ભટ્ટ પૂજારી તરીકે સેવા આપે છે.
મંદિર ખાતે મારુતિ યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
અલૌકીક હનુમાનજીની મૂર્તિના દર્શન કરવા લોકો વડોદરા, સુરત, નવસારી સહિતના દૂર દૂરના સ્થળોએથી પધારે છે. શનિવારના દિવસે મંદિર ખાતે ભકતોની ભારે ભીડ ઉમટી પડે છે. અહીં હનુમાન જયંતીના દિવસે નાહિયેર સ્થિત હઠીલા હનુમાનજીના મંદિર ખાતે મારુતિ યજ્ઞ, ભંડારો સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર