સોલાર સિસ્ટમ ખરીદી કૌભાંડમાં અંતે CMO માંથી તપાસનું ફરમાન જારી

HomeBayadસોલાર સિસ્ટમ ખરીદી કૌભાંડમાં અંતે CMO માંથી તપાસનું ફરમાન જારી

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયે પંચાયત વિભાગના અગ્રસચિવને તપાસ કરી અહેવાલ સુપરત કરવા તાકીદ
  • અરવલ્લી જિલ્લા પંચાયતમાં ટીડીઓના કૌભાંડોને છાવરનારાઓ પર પણ સકંજો કસાવાની શક્યતા
  • પરિપત્રોનાં મનસ્વી અર્થઘટનો કરનારા અધિકારીને સસ્પેન્ડ કરવા તાલુકાવાસીઓની માગ

અરવલ્લી જિલ્લાની બાયડ તાલુકા પંચાયત કચેરીના ટીડીઓ દ્વારા રૂફ ટોપ સોલાર સિસ્ટમની ખરીદીમાં કથિત ગેરરીતિ આચરવા બાબતે થયેલી ફરિયાદ અન્વયે છેવટે ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી તપાસના આદેશ છૂટયા છે. બાયડ તાલુકાના સાઠંબા ગામના અરજદાર દશરથસિંહ રણજીતસિંહ સોલંકીએ બાયડ તાલુકા વિકાસ અધિકારી પિયુષ પાયઘોડે સામે ગંભીર આક્ષેપો કરી લેખિત પુરાવાઓ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ ટીડીઓએ રાજ્યના વિકાસ કમિશનરની કચેરીના પરિપત્રનો ઉલાળિયો કરી નાંખી બાયડ તાલુકામાં રૂફ ટોપ સોલાર સિસ્ટમની ખરીદી કરી હતી. એટલું જ નહીં, ખાનગી કંપનીને લાભ પહોંચાડવા માટે ટેન્ડરની શરતોનો ભંગ કરી નિયમો નેવે મુકી ખરીદી કરી સરકારી નાણાંનો દૂર્વ્યય કર્યો હતો. કંપની પાસે મેન્ટેનન્સ પેટે બેંકમાં ડીપોઝીટ ભરાવવાની શરતનું પણ ઉલ્લંઘન કર્યું હોવાની ફરિયાદ છે. ચૂકવણાં કર્યાં પછી મામલો ગરમાયો ત્યાર બાદ કંપનીએ બેંકમાં ડિપોઝીટની રકમ ભરાવી હતી. કંપનીને સોલાર સિસ્ટમની ખરીદી પેટે કરેલાં ચૂકવણાંની તારીખો અને કંપનીએ બેંકમાં જમા કરાવેલી ડિપોઝીટની તારીખો દેખીતી રીતે જ મીસમેચ થાય છે તેની પણ તપાસ કરવા રજુઆત કરવામાં આવી હતી. અરજદારની પુરાવાઓ સાથેની લેખિત રજુઆતને ધ્યાને લઇને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના કાર્યાલયે રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવને ગત તા.17-10-2023ના પત્રથી તપાસના આદેશ કર્યા છે. આ ઉપરાંત અરજદારે ઉઠાવેલા મુદ્દાઓ સંદર્ભે તપાસ કર્યા બાદ શું કાર્યવાહી કરવામાં આવી તેની સીએમઓ(મુખ્યમંત્રી કાર્યાલય)ને જાણ કરવા તાકીદ કરવામાં આવી છે. બીજી તરફ બાયડ તાલુકામાં રૂફ ટોપ સોલાર સિસ્ટમ ખરીદીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદના પગલે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તપાસના આદેશ છૂટતાં ટીડીઓ અને તેના મળતીયાઓને હાલમાં શરૂ થયેલી ફુલગુલાબી ઠંડીમાં પણ પસીનો છૂટયો હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.

જિલ્લા પંચાયતની હિસાબી શાખાના ઓડિટ સામે સવાલો ઊઠયા !!!

અરજદારના જણાવ્યા પ્રમાણે બાયડ ટીડીઓ પિયુષ પાયઘોડે દ્વારા 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી પાણીનાં ટેન્કર, આરઓ વોટર પ્લાન્ટ, રૂફ ટોપ સોલાર સિસ્ટમ, એલઇડી લાઇટો સહિતની ખરીદીમાં પણ વ્યાપકપણે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ તમામ ખરીદીની તપાસ માટે પણ તબક્કાવાર લેખિત પુરાવાઓ સાથે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવનાર છે. બીજી તરફ 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી થયેલી ખરીદી અને ચૂકવણાંની ફાઇલનું ઓડિટ અરવલ્લી જિ.પં.ની હિસાબી શાખામાં થાય છે. ત્યારે ખરીદી અને ચૂકવણાં સરકારી માર્ગદર્શીકા અને ટેન્ડરની શરતોને નેવે મુકીને થઇ હોવા છતાં હિસાબી શાખા તેની મૂળભૂત કામગીરીમાંથી ભટકી ગઇ હોવાની જિલ્લાભરમાં ચર્ચાઓ શરૂ થઇ છે. એટલું જ નહીં, બાયડ ટીડીઓને છાવરીને અધિકારીઓ સામે કાગળમાં સબ સલામતના દાવા કરતા આવેલા જિ.પં.હિસાબી અધિકારીની સમગ્ર પ્રકરણમાં શંકાસ્પદ ભૂમિકા રહી હોવાના અરજદારે આક્ષેપો કર્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તપાસના આદેશ છૂટતાં આગામી સમયમાં બાયડ ટીડીઓ પ્રકરણમાં જિલ્લા પંચાયતની પંચાયત, વિકાસ અને ઓડિટ શાખાના અમુક કર્મચારીઓ સુધી છાંટા ઉડે તેવી પૂરી શક્યતા હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon