New Year: ગુજરાતી નૂતન વર્ષનો પ્રારંભ થઈ ચુક્યો છે. નવા વર્ષના નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાને સુવર્ણ વાઘા અને સિંહાસનને ફૂલનો શણગાર કરવામાં આવ્યો છે. નવા વર્ષ નિમિત્તે દાદાને પાંચ હજાર કિલોની વિવિધ વાનગીનો છપ્પન ભોગ અન્નકૂટ ધારાવાયો હતો. આ સિવાય ગીર સોમનાથમાં પણ નવા વર્ષ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પહેલાં શૃંગાર કરવામાં આવ્યો હતો.
હજારોની સંખ્યામાં ઉમટ્યા ભક્તો
નવા વર્ષના પ્રારંભે સાળંગપુર કષ્ટભંજન અને સોમનાથ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં હતાં. લોકોએ ભગવાનના આશીર્વાદથી નવા વર્ષની શરૂઆત કરી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી આરતી અને પ્રસાદનો પણ લાભ લીધો હતો.
8 કિલો સોનાના વાઘા પહેરાવ્યા
સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં વાઘા પહેરાવાયા છે. આ વાઘાની કિંમત 9 કરોડ રૂપિયા કરતાં પણ વધારે છે. વર્ષ 2019માં આ વાઘા બનાવવા 22 ડિઝાઇનર્સની ટીમ મંદિરના સંતો દ્વારા એપોઇન્ટ કરવામાં આવી હતી. વાઘા બનાવવા ડિઝાઇનર્સ સહિત 100 જેટલાં સોનીની પણ મદદ લેવાઈ હતી.
આ પણ વાંચોઃ ડાકોર મંદિરમાં ઠાકોરજીને એક કરોડની દિવાળી બોણી
વડતાલ મંદિરમાં અનોખો શણગાર
આ સિવાય ખેડાના જિલ્લામાં આવેલા વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો. મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. રંગબેરંગી લાઈટના શણગારથી મંદિર પરિસરમાં ભવ્ય નજારો સર્જાયો હતો. મહત્ત્વનું છે કે. વડતાલ મંદિરને 200 વર્ષ પૂર્ણ થતા 7 થી 15 નવેમ્બર દરમિયાન દ્વિશતાબ્દી મહોત્સવ યોજાવવાનો છે. મહોત્સવ પહેલા મંદિરમાં અનોખી શોભા જોવા મળી રહી છે.