- કાળઝાળ ગરમીમાં વારંવાર વીજળી ગુલ થવાથી હાલાકી
- ખેતીવાડી માટે વીજળી આઠ કલાકને બદલે માત્ર ચાર જ કલાક મળે છે
- સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વિજ ધાંધીયા ચાલી રહ્યાં છે
સોનગઢ તાલુકામાં વીજ લાઈનો, ટ્રાન્સફોર્મર, ડીપી વગેરના મેઇન્ટેનન્સમાં ચાલતી ઘોર લાલીયાવાડીના કારણે રહેણાંકના ઘરો તેમજ ખેતીવાડી માટેની વીજળી છાશવારે ખોટકાતી રહેતી હોવાથી હાલની કાગઝાળ ગરમીમાં વીજળી વગર લોકો તોબા પોકારી ઊઠ્યા છે.
સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વિજ ધાંધીયા ચાલી રહ્યાં છે. જ્યોતિગ્રામ યોજના અંતર્ગત રહેણાંકના ઘરોમાં લોકોને 24 કલાક વીજળી મળતી નથી. ઘરોમાં ગમે ત્યારે વીજળી ડુલ થઈ જાય છે. જે લાંબા સમય સુધી આવતી નથી. હાલના ઉનાળાની કાગઝાળ ગરમીમાં ઘરોમાં અવારનવાર પાવર કટ થઈ જવાથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે. વીજ કંપનીની કચેરીને પાવર કટ થયાની જાણકારી અપાયા પછી પણ કલાકો સુધી વીજળીના દર્શન થતા ન હોવાથી લોકોમાં વીજ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ સામે ભારે રોષ પ્રર્વતી રહ્યો છે. ઘરમાં વીજ ધાંધીયાની સાથે ગામડાઓમાં ખેતીવાડીની વીજળીના પણ ઠેકાણા હોતા નથી. આ વીજળી 24 કલાકમાંથી માત્ર 8 કલાક જ આપવામાં આવે છે. વિજ કંપનીના ચોપડે 8 કલાક વીજળી આપવાની યોજના બોલે છે. પરંતુ ખરેખરમાં સોનગઢના ગામડાના ખેતરમાં આ 8 કલાક યોજના વાળી વીજળીના પણ ભાગ્યે જ દર્શન થાય છે. ગામડાઓમાં 8 કલાકને બદલે માંડ 4 કલાક જ વીજળી મળે છે.અને તે પણ અઠવાડિયામાં બે-ત્રણ દિવસ જ વીજળી આવે છે.આમ ખેતીવાડીની વીજળીની ભારે અનિયમિતતાના કારણે ખેડૂતો બોર-કુવામાંથી સિંચાઈ કરી શકતા નથી. વળી ખેતીવાડી માટે રાત્રે વિજળી આપવામાં આવે છે. તેનાથી કંટાળીને ઘણા ખેડૂતોએ ખેતી કરવાનું બંધ કરી દીધું છે.વીજળીની સમસ્યાના કારણે સોનગઢના ગ્રામ્ય વિસ્તારના લોકો કફોડી સ્થિતિમાં આવી ગયા છે.
ટ્રાન્સફોર્મર પર ચઢેલા વેલાના કારણે વીજ ધાંધિયા
સોનગઢ તાલુકામાં ઘણી જગ્યાએ વીજ પોલ પર,વીજ લાઈન પર અને ટ્રાન્સફોર્મર પર વનસ્પતિના વેલા ચઢી ગયા છે. ચોમાસા દરમિયાન વેલા ચઢી જાય તે સમજી શકાય તેવી બાબત છે. પરંતુ હાલના ઉનાળાના દિવસોમાં પણ વીજ લાઈનો, પોલ અને ટ્રાન્સફોર્મર પર દેખાઈ રહેલા વેલા અને વનસ્પતિ વીજ લાઇનની સાફસફાઇ અને મેઇનટેનન્સ કાગળ પર જ થતી હોવાની બાબતને ઉજાગર કરી રહી છે. આવી કાગળ પર મેઇન્ટેનન્સની કામગીરીના કારણે લાઈનમાં શોર્ટ-સર્કીટ તેમજ વીજળી જમીનમાં ઉતરવાથી લાઈન લોસ અને ફયુઝ ઉડી જવાના કે લાઇન ટ્રીપ થવાના બનાવો વારંવાર બનતા રહે છે. તેના કારણે ઘરો અને ખેતીવાડીની વીજળી વારંવાર ડુલ થતી રહે છે .ઉપરાંત લાઈનમાં લો-વોલ્ટેજ અને હાઈ વૉલ્ટેજ થવાથી ઘરોમાં અને ખેતીવાડીમાં વીજળીના ઉપકરણો-સાધનો ફુકાઈ જવાની ઘટના પણ છાશવારે બનતી રહે છે. સોનગઢમાં વીજ કંપનીની કચેરી રેગ્યુલર મેઇન્ટેનન્સ, પ્રિમોન્સુન અને ચોમાસા બાદની લાઇન અને પોલ પરથી વેલા કાઢવાની કામગીરી કાગળ પર કરી ભ્રષ્ટાચાર આચરતી હોવાની શકયતા છે.